Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મોરબીમાં અપક્ષનાં ૧૫૬૯૩, નોટાનાં ૨૮૮૬ મતોએ બાજી પલ્ટીઃ બ્રિજેશ મેરજાએ કાર્યકરો અને ભાજપ સંગઠનની જીત ગણાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલ બ્રિજેશ મેરજા આજે પેટા ચૂંટણી જંગમાં વિજેતા જાહેર થયા છે મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીઓ પૂર્ણ થઇ ચુકી છે અને ૪૬૪૯ મતોની લીડ સાથે બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે કોંગ્રેસ પક્ષે એડીચોટીનું જોર લગાવ્યા છતાં અપક્ષ ઉમેદવારો તેમજ નોટામાં પડેલા મતોએ બાજી પલટી જીતનો હાર ભાજપના ગળે પહેરાવ્યો હતો.

મોરબી પેટા ચૂંટણીમાં ગત તા. ૦૩ ના રોજ મતદાન પૂર્ણ થયા બાદ આજે શહેરની પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા છે મત ગણતરીમાં ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલ ને ૬૦, ૦૬૨, ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૪,૭૧૧ મતો મળ્યા હતા તે ઉપરાંત ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇન્કિલાબ એ મિલત પાર્ટીના ઉમેદવાર ભટ્ટી હુશેનભાઈને ૮૭૦ મતો મળ્યા હતા જયારે અપક્ષ ઉમેદવાર કાસમ સુમરાને ૨૫૯, જાદવ ગીરીશભાઈને ૧૯૧, જેડા અબ્દુલને ૧૬૭, વસંત પરમારને ૬૬૪૯, બલોચ ઈસ્માઈલને ૨૧૦૭, ભીમાણી જયોત્સનાબેનને ૫૩૯, મકવાણા પરષોતમભાઈને ૫૧૩ અને મોવર નિજામને ૩૧૬૨ મતો મળ્યા હતા જયારે સિરાજ પોપટિયાને ૧૨૩૬ મતો મળ્યા હતા જયારે ૨૮૮૬ મતો નોટામાં પડયા હતા.

પ્રતિષ્ઠાનો જંગ બની ચુકેલી મોરબી વિધાનસભા પેટા ચૂંટણીને જીતવા ભાજપે કેન્દ્રીય મંત્રી ઉપરાંત રાજયના સીએમ, ડેપ્યુટી સીએમને મેદાને ઉતાર્યા હતા અને આખરે જંગ ભાજપે જીતી લઈને ૨૦૧૭ માં ગુમાવેલી બેઠક પરત મેળવી છે જીત નક્કી થતા બ્રિજેશભાઈ મેરજાએ મત ગણતરી કેન્દ્રથી પોતાના કાર્યાલય સુધી ભવ્ય વિજય સરઘસ યોજયું હતું તો સમર્થકોએ ફટાકડા ફોડીને તેમની જીતને વધાવી હતી.

કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસ આગેવાનોથી લઈને કાર્યકરો સુધીના એકજુટ થઈને જીત મેળવવા પ્રયાસ કર્યા હતા જોકે અપક્ષ ઉમેદવારો ૧૫,૬૯૩ મતો લઇ ગયા હતા એટલું જ નહિ નોટામાં પણ ૨૮૮૬ મતો પડ્યા હતા જેને જીતની બાજી પલટી નાખી હતી તેમ કહી શકાય.

વિજય મેળવ્યા બાદ બ્રિજેશ મેરજાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ તેમની નહિ પરંતુ કાર્યકરો અને ભાજપ સંગઠનની જીત હોવાનું જણાવ્યું હતું તો કાંતિલાલ અમૃતિયા ફેકટર વિશે પૂછતાં નો કમેન્ટ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.

(11:38 am IST)