Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રૂદ્રાણી ડેમને કિનારે ભુજનો લા'કેમ્પ રિસોર્ટ આકર્ષણ

સફેદરણ નિહાળવા આવતા પ્રવાસીઓ માટે નેચર અને એડવેન્ચર ટૂરિઝમનો અનુભવ કરાવનાર અજય ગઢવીએ આફ્રિકાના ફેમસ સેરેન ગટી રિસોર્ટ નિહાળી લા'કેમ્પ રિસોર્ટ બનાવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૧: સાહસિક કચ્છી યુવાન અજય ગઢવીનીએ  ભુજની ભાગોળે શરૂ કરેલ લા'કેમ્પ રિસોર્ટ ટુંકા ગાળામાં દેશ વિદેશના પ્રવાસીઓનું માનીતું સ્થળ બની ગયું છે. 'અકિલા' સાથે વાત કરતાં અજય ગઢવી કહે છે કે,તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ જયારે સફેદરણને પ્રમોટ કરવા પ્રયાસો શરૂ કર્યા હતા ત્યારે તેમણે કચ્છમાં રહેલી અનેક ભૌગોલિક, પ્રાકૃતિક વિશેષતાઓ સાથે કચ્છની સંસ્કૃતિ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષવા સમર્થ હોવાનું જણાવી સ્થાનિક કચ્છી માડુઓને પણ પ્રવાસન ક્ષેત્રે રહેલી તકોને ઓળખી સજ્જ થવા આહવાન કર્યું હતું. એ સમયે અજયભાઈ અને મિત્રોએ ૨૦૦૮ માં કચ્છના રણમાં કાર રેલી યોજી પ્રથમ એડવેન્ચરલ ટુરિઝમનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં રણની કાર સફારીની શરુઆત પછી અત્યારે દેશભરના બાઈકર્સ માટે કચ્છના રણને કારણે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે. જોકે, દેશ વિદેશના પ્રવાસના શોખીન અજયભાઈને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન સેરેન ગટી રિસોર્ટ ગમી ગયો અને તેમના મનમાં લા'કેમ્પનું બીજ રોપાયું. કચ્છ આવતા પ્રવાસીઓને રહેવા માટે આવું જ કંઈક ઉભું કરવું એ વિચાર સાથે તેમણે ભુજની ભાગોળે આવેલ રૂદ્રાણી ડેમ સાઈટ ઉપર લા'કેમ્પની શરુઆત કરી. હોટેલ વ્યવસાય પોતાને માટે નવો હોઈ તેમણે શરુઆતમાં અન્ય વ્યવસાયીકો સાથે ફ્રેન્ચાઈઝી શરૂ કરી. તેમણે કચ્છ આવતા પ્રવાસીઓ માટે અઙ્ખડવેન્ચરલ ટુરિઝમ સાથે નેચર ટુરિઝમ શરૂ કર્યું. અહીથી વિખ્યાત સફેદરણ અને બર્ડ વોચ માટેની સાઈટ છારી ઢંઢ બંને નજીકના અંતરે છે. અત્યારે વડાપ્રધાનની લોકલ ફોર વોકલ માટેની હાકલ પછી અજયભાઈએ હવે જાતે જ લા'કેમ્પનું સુકાન સંભાળ્યું છે.

અજયભાઈ હાલ ભુજના નગરસેવક છે. રાજકોટ ભાજપના પ્રભારી રહી ચુકેલા તેમના પિતા પુષ્પદાનભાઈ ગઢવી કચ્છમાં સૌથી વધુ વખત સાંસદ તરીકે ચુંટાઇ ચુકયા છે. અજય ગઢવી કહે છે કે, એડવેન્ચરલ, નેચર ટુરિઝમ ઉપરાંત કચ્છનું ટેકસટાઇલ ટુરિઝમ પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. રણમાં સેલ્ફ કાર ડ્રાઇવ શરૂ કરાય તો અફાટ રણમાં કાર ચલાવવાનો રોમાંચ કાર ચાલકો માટે સાહસિક અનુભવ આપી શકે . ભુજ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનથી સફેદરણ જવાના રસ્તે કચ્છના સૌથી મોટા રુદ્રાણી ડેમના કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં ઉભા કરાયેલ આ રિસોર્ટમાં પીલુ, દેશી બાવળ, ગુગળ સહીત ૧૫ જેટલી દેશી વનસ્પતિઓનુ જતન કરાય છે. રિસોર્ટના આધુનિક સુવિધાથી સજ્જ રુમની બાલ્કની માથી સૂર્યોદય અને સુર્યસ્ત નિહાળવો એક અનોખો લ્હાવો છે.

(11:27 am IST)