Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સહકારી મંડળી મારફત વેચાણ કરવામાં આવતા રાસાયણિક તથા બાયોફર્ટીલાઇઝરના સેમ્પલ ફેઇલ થતા થતી કાર્યવાહીનો વિરોધ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૧૧ : ટંકારા તાલુકા સહકારી મંડળી કર્મચારી મંડળના પ્રમુખ રણુભા ઝાલા તથા મંત્રી જીતેન્દ્રભાઈ ખોખાણી દ્વારા મંડળી મારફત વેચવામાં આવતા રાસાયણિક તથા બાયોફર્ટીલાઇઝર સેમ્પલ ફેઇલ થતાં , સહકારી મંડળી ઉપર કરાતી કાર્યવાહીનો વિરોધ કરેલ છે. આ અંગે કૃષિ મંત્રીશ્રી, આર.સી.ફળદુ તથા મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.

ટંકારા તાલુકામાં સહકારી મંડળીઓ દ્વારા રાસાયણિક તથા બાયો ફર્ટીલાઇઝર નું વેચાણ કરવામાં આવે છે. આ તમામ ખાતરો સરકારશ્રીની માન્યતા વાળા હોય તેનું જ મંડળી મારફત વેચાણ કરવામાં આવે છે. સહકારી મંડળી ખેડૂતોની જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતરો નફો નહી નુકસાનના ધોરણે પૂરી પાડતી હોય છે. મંડળી મારફત ખેડૂતનું હીત જોખમાય એવું કોઈ વેચાણ તેમજ કાર્ય કરવામાં આવતું નથી. હર હંમેશ માટે ગુણવત્ત્।ા યુકત ખાતર વેચવામાં આવે છે.

સહકારી મંડળીઓમાં થી રાસાયણિક ખાતરના નમુના મેળવી એગ્રીકલ્ચર ઓફિસર દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. અમુક ખાતરો તેમાં રહેલા તત્વો કરતા ઓછા થતાં આ નમૂનો બિન પ્રમાણિત ગણિ નમુનો ફેઇલ કરવામાં આવે છે. અને સહકારી મંડળી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આકરા પગલાં લેવામાં આવે છે અને કોર્ટ કેસ દાખલ કરવામાં આવે છે. સહકારી મંડળી ઉપર આ પ્રકારના કેસ ચાલે છે અને મંડળીના જવાબદાર વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ પણ છે.

સહકારી મંડળી દ્વારા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું નથી. સહકારી મંડળી તો માત્ર ખેડૂતની જરૂરિયાત મુજબના ખાતરો સરકારશ્રીની માન્ય કંપની પાસેથી ખરીદ કરી ખેડૂતોને બંધ થેલીમાં વેચાણ કરે છે. લુઝ વેચાણ કરવામાં આવતું નથી. ખાતર નો નમૂનો લેવામાં આવે તે પણ સીલ બંધ થેલી માંથી લેવામાં આવે છે. આ નમૂનો જયારે ફેલ થાય ત્યારે ફકત ઉત્પાદન કંપની જવાબદાર હોવી જોઈએ. વેચાણ કરનારી સહકારી મંડળીની જવાબદાર વ્યકિતની જવાબદારી નથી.

 કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવતા કંપની દ્વારા બનાવવામાં આવતા રાસાયણિક ખાતરો ઉપર એકસપાયરી ડેટ લખેલી હોતી નથી. ખાતર કેટલા સમય સુધી સારું રહેશે તેની જાણ થતી નથી. મંડળી પાસે આવું જાણવા માટે કોઈ આધાર કે સુવિધા નથી. ટંકારા તાલુકા સહકારી મંડળીઓના કર્મચારીઓના મંડળીના પ્રમુખ મંત્રી દ્વારા મંડળીઓને આવા કેસોમાંથી બાકાત રાખવામાં આવે અને જવાબદારી ઉત્પાદક કંપનીની ગણવામાં આવે અને તેની ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે .

ગુણવત્તા જાળવવાની તમામ જવાબદારી ખાતર ઉત્પાદન કરતી સરકાર માન્ય કંપનીની હોય છે. તાજેતરમાં જ વિરપર સેવા સહકારી મંડળી સામેકેસ કરવામાં આવેલ છે. આ અંગે ઘટતું નહીં થાય તો તમામ મંડળીઓ દ્વારા ખાતર વેચાણનો બહિષ્કાર કરાશે. ખેડૂતો ને મોટું નુકશાન થશે.

(11:18 am IST)