Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શુક્રવારે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં નરેન્દ્રભાઇના હસ્તે ઇ-વિમોચન

ઇન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના લોકાર્પણ પ્રસંગે રાજયપાલ દેવવ્રત આચાર્ય, વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે

જામનગરઃ તસ્વીરમાં કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી તે નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: જામનગર ખાતે  તા.૧૩ નવેમ્બર શુક્રવારના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ITRAના ઈ- વિમોચન પ્રસંગે કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી લાઈવ જોડાશે. જયારે રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ જામનગરના ધનવંતરી હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં મહાનુભાવોની સુરક્ષા, સ્વાસ્થ્યલક્ષી તકેદારીઓ અને સંપૂર્ણ કાર્યક્રમ સ્થળ પર વીજળી, પાણી વગેરેની વ્યવસ્થાઓ અંગે કલેકટરશ્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી તેમજ આવશ્યક વ્યવસ્થાઓનું આયોજન કરાયું હતું.

હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદના સથવારે રોગ સામે બાથ ભીડી રહ્યો છે. આ સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રને મહામુલી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વતા ધરાવતી સંસ્થાઓની ભેટ તા.૧૩ના સવારે ૯.૩૦ વાગ્યે ધન્વંતરિ જયંતિના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા જામનગર ખાતે ઇન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇત્ર)નું લોકાર્પણ થશે.

આ સંસ્થા ૨૧મી સદીમાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ વિકાસનું નેતૃત્વ કરી તેને અનેરૂ બળ પુરૂ પાડશે. આ સંસ્થા ગુજરાત રાજયના જામનગર ખાતે ઇન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ઇત્ર) હશે. આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપાદ થેસ્સો નાયક, સાંસદ પૂનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાર, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, આયુષય મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા, આરોગ્ય અગ્રસચિવ જયંતિ, પ્રો.વૈદ્ય અનુપ ઠાકર વિગેરે ઉપસ્થિત રહેશે.

(2:57 pm IST)