Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રણોત્સવમાં પ્રવાસીની સુવિધા માટે ટેન્ટસીટી સંચાલકોને ફાયરના સાધનો વસાવવા અપીલ

ભુજમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રણોત્સવ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરાઇ

ભુજ,તા.૧૧:દેશ-વિદેશથી કચ્છનાં પ્રખ્યાત સફેદ રણનો નજારો માણવા ધોરડો આવતાં પ્રવાસીઓની સુરક્ષા માટે ધોરડોમાં ખાનગી સંચાલકો દ્વારા ઊભી કરાયેલ ટેન્ટસીટીમાં અલગથી અગ્નિશમન સુવિધા ઊભી કરવામાં આવે તે સાથે ગોરેવાલીથી ટેન્ટસીટી સુધી ખાનગી ધોરણે ટેન્ટ ચલાવવા માટેની લીગલ પરમીશન મેળવી લેવા તેમજ પાણીનું ઇલીગલ ટેપીંગ ન થવું જોઇએ, તેમ જિલ્લા કલેકટર એમ. નાગરાજનના અધ્યક્ષપદે રણોત્સવ-૨૦૧૯-૨૦ની આનુષાંગિક કામગીરીની ચર્ચા-વિચારણા માટે મળેલી બેઠકમાં નિર્દેશો આપવામાં આવ્યાં હતા.

આજે ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રણોત્સવની ગત બેઠકમાં થયેલી ચર્ચાની વિગતે સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર ચર્ચા હાથ ધરતાં જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને રણોત્સવનો પ્રારંભ થઇ ચૂકયો છે, ત્યારે માર્ગો, વોચ ટાવર, આરોગ્ય અને અગ્નિશમન સેવા, સંદેશા-વ્યવહાર, ટોઇલેટ-પાણીની સુવિધા સંબંધેનાં આનુષાંગિક કામો ઝડપભેર પૂર્ણ કરવા ભાર મૂકયો હતો.

જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને ટેન્ટસીટીના ખાનગી સંચાલકોને પ્રવાસીઓની સુરક્ષા માટે અલાયદી ફાયર સેફટી સુવિધા રાખવા, ગોરેવાલીથી ટેન્ટસીટી સુધી લીગલ પરમીશન મેળવ્યા વિનાના કોઇપણ ખાનગી ધોરણે ટેન્ટ ઊભા ન થાય તે માટે જોઇન્ટ ટીમનું તાત્કાલિક ગઠન કરી કાર્યવાહી કરવા તેમજ પાણી પુરવઠા વિભાગને પણ ઇલીગલ ટેપીંગ ન થાય તેની તકેદારી રાખવા, મેડીકલ ટીમોને તૈયાર રાખવા, સંદેશા-વ્યવહારની સુવિધા સતત કાર્યરત રાખવા તાકીદ કરી હતી.

પ્રવાસી સલામતી માટે વોચટાવર ઉપર જતાં પ્રવાસીઓનાં ધસારાને નિયંત્રિત કરવા કંટ્રોલ કક્ષ ઊભો કરવા,  વિદેશથી આવતાં પ્રવાસીઓના સી ફોર્મ ભરાવા, ફુડ અને ક્રાફટ સ્ટોલની ૧૧૩૧ આવેલી અરજીઓ સંબંધે ફુડ-ક્રાફટ સ્ટોલની જગ્યા વધારવા, ઊંટ અને દ્યોડાગાડી માટે નોંધણી અને વાડાની વ્યવસ્થા ગોઠવવા, ટેન્ટસીટી સરાઉન્ડીંગ સીસીટીવી ગોઠવવા,ગેટ ઓફ રણ રીસોર્ટમાં ફાયર સેફટી માટે પાણીની લાઇન વ્યવસ્થા કાર્યરત કરવા, કાળા ડુંગર ખાતે ટ્રાફિક નિયમન તેમજ ધોરડો માર્ગે કેટઆઇ, સફેદ પટ્ટા અને અકસ્માત નિવારવા સાઇનબોર્ડ મૂકવાની કામગીરી સંબંધે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરી નિર્દેશો અપાયાં હતા.

બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ ગત બેઠકના મુદ્દાઓની વિગતવાર છણાવટ કરી આનુષાંગિક કામગીરીને અગ્રતા આપવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી, સ્ટેટ અને પંચાયતના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી, સીડીએચઓ ડો.પ્રેમકુમાર કન્નર, ધોરડોના સરપંચ શ્રી મીયાંહુસેન મુતવા, મામલતદાર ભુજ અને ડીઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિ તેમજ નીરવભાઈ પટ્ટણીએ ચર્ચામાં ભાગ લીધો હતો. નાયબ મામલતદાર નીતિનભાઈ પાલ સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:52 am IST)