Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પીપળીના ગજાનંદ પાર્ક સોસાયટીના રહીશો ફેકટરીના પ્રદુષણથી પરેશાન

રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી

 મોરબી,તા.૧૧: મોરબીના પીપળી ગામે આવેલી સોસાયટીની નજીકની ફેકટરીના ધુમાડા સહિતના પ્રદુષણથી સ્થાનિકો પરેશાન છે અને અગાઉ કરેલી રજૂઆત છતાં ફર્ક ના પડતા સોસાયટીના પ્રમુખે જીપીસીબી અને પોલીસને રજૂઆત કરી છે

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શ્રી ગજાનંદ પાર્ક સોસાયટીના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબી કચેરી તેમજ તાલુકા પીએસઆઈને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગજાનંદ સોસાયટી સાત વર્ષ પહેલા નિર્માણ પામેલી છે જેને અડીને સ્વેલકો સિરામિક કારખાનું આવેલ હોય જેના ધુમાડા પ્રદુષણ મામલે અગાઉ પણ રજુઆતો કરી છે છતાં થોડા દિવસો ધ્યાન આપીને બાદમાં સ્થિતિ જૈસે થે જોવા મળે છે જે ધુમાડાને પગલે સોસાયટીના રહીશો અને નાના બાળકોને સ્વાસ્થ્ય પર અસર થાય છે અને બીમારીનો ભોગ બનતા હોય છે જેથી સોસાયટીના પ્રમુખે સ્થાનિકોને સાથે રાખીને તાજેતરમાં ફેકટરી ખાતે પહોંચીને સંચાલકને પણ આ મામલે રજુઆતો કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા સ્થાનિકોએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી અને તાલુકા પોલીસને આવેદન પાઠવીને પગલા ભરવાની માંગ કરી છે.

(11:51 am IST)