Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમરેલીમાં ડબલ મર્ડરઃ ભરવાડ કાકા-ભત્રીજાની હત્યા

ટ્રાફિક પોલીસ અને પાલિકાની ઢોર પકડવાની ગાડી સાથે રખડતી ગાયો પકડવા જોડાયેલા કિરણ ઉર્ફ કરસનભાઇ ભરવાડને 'તમે ભરવાડ થઇને ભરવાડની ગાયો પકડાવો છો' કહી વ્હોટ્સએપના ભરવાડ સમાજના ગ્રુપમાં એક ભરવાડ શખ્સે ગાળો ભાંડતા ડખ્ખો :કિરણભાઇ (કરસનભાઇ) (ઉ.૨૭)એ રાજકોટ હોસ્પિટલમાં અને તેના કોૈટુંબીક કાકા ગોવિંદભાઇ મકવાણા (ઉ.૩૦)એ અમરેલી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પાંચાભાઇના સગા રામકુભાઇ રાતડીયા, ગુલાભાઇ, સગરામ, ગોપાલ સહિત પંદરેકનું ટોળુ રાતે સાડા નવેક વાગ્યે ધસી આવ્યું અને છરી સહિતના હથીયારોથી તૂટી પડ્યુઃ અમરેલી પોલીસે ગુનો નોંધ્યો : રખડતી ગાયો પકડાવવાના પાલિકા-પોલીસના કામમાં મદદ કર્યાનો ડખ્ખો બન્યો :બબ્બે હત્યાનું કારણ

હત્યાનો ભોગ બનનાર કિરણ ઉર્ફ કમલેશ નનુભાઇ મકવાણાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો તથા તેના કાકા ગોવિંદભાઇનો ફાઇલ ફોટો અને સોૈથી છેલ્લે બનાવની વિગતો વર્ણવતા હત્યાનો ભોગ બનેલા કિરણભાઇના ભાઇ અમરૂભાઇ નનુભાઇ જોઇ શકાય છે : અમરેલીમાં બેવડી હત્યાથી અરેરાટી :.. અમરેલી : ગઇકાલે રાત્રીના જુથ અથડામણમાં બેવડી હત્યા થતા સનસનાટી મચી ગઇ છે. તસ્વીરમાં બન્ને મૃતકો નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ -અમરેલી)

રાજકોટ તા. ૧૧: અમરેલીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં ૨૭ વર્ષના ભરવાડ યુવાન અને તેના ૩૦ વર્ષના કોૈટુંબીક કાકાને ભરવાડ સમાજના લોકોએ જ છરીના ઘા ઝીંકી રહેંસી નાંખતા ગામમાં ચકચાર મચી ગઇ છે. અમરેલી ટ્રાફિક પોલીસ અને નગર પાલિકા દ્વારા રખડતી ગાયો પકડવાની ઝુંબેશ શરૂ થઇ હોઇ તેમાં પાલિકાની ગાડી સાથે ૨૭ વર્ષનો ભરવાડ યુવાન પણ સામેલ થયો હતો. કોઇને માલિકીની ગાયો ન પકડાય જાય અને રખડતી ગાયો જ પકડવામાં આવે તેની ખાત્રી માટે તંત્રએ આ યુવાનને ભેગો રાખ્યો હતો. એ દરમિયાન ભરવાડ સમાજના વ્હોટ્સએપ ગ્રુપમાં આ યુવાનને ઉદ્દેશીને એક ભરવાડ વ્યકિતએ 'તમે ભરવાડની ગાયો જ પકડાવો છો' તેમ કહી ગાળો ભાંડતો ઓડિયો મેસેજ મોકલતાં તેણે પોલીસ અને પાલિકાના સ્ટાફને આ વોઇસ કલીપ સંભળાવતાં મેસેજ મોકલનારને પોલીસ તરફથી ઠપકો અપાયો હતો. આ બાબતનો ખાર રાખી રાતે હુમલો કરાયો હતો. જેમાં યુવાન અને તેના કોૈટુંબીક કાકાની લોથ ઢળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના જીવાપરામાં સોમનાથ મંદિર પાસે રહેતાં કિરણભાઇ ઉર્ફ કરસનભાઇ નનુભાઇ મકવાણા (ત્રાડ) (ભરવાડ) (ઉ.૨૭) પર રાત્રીના સાડા નવેક વાગ્યે તેના ઘર પાસે હતો ત્યારે ગામના જ રામકુ રાતડીયા (ભરવાડ), ગુલા ભરવાડ, સગરામ ભરવાડ, ગોપાલ ભરવાડ તથા બીજા અજાણ્યા પંદરેક જણાના ટોળાએ અચાનક આવી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી છરી ઝીંકી દેતાં છાતીમાં જમણી બાજુએ ગંભીર ઇજા થઇ હતી. આ વખતે કિરણભાઇને બચાવવા તેના કોૈટુંબીક કાકા ગોવિંદભાઇ રામભાઇ મકવાણા (ત્રાડ) (ઉ.૩૦) દોડી આવતાં તેને પણ છરીના ઘા ઝીંકી દેવાયા હતાં.

અચાનક હુમલાને પગલે દેકારો મચી જતાં મોટી સંખ્યામાં આસપાસના રહેવાસીઓ ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કાકા-ભત્રીજાને લોહીલુહાણ હાલતમાં અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ કાકા ગોવિંદભાઇએ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજા કિરણભાઇ ઉર્ફ કરસનભાઇને મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે પણ દમ તોડી દેતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ અમરેલી પોલીસને જાણ કરી હતી.

હત્યાના બનાવની માહિતી આપતાં મૃતક કિરણભાઇ (કરસનભાઇ)ના નાના ભાઇ અમરૂભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં રખડતી ગાયો પકડવાની ઝુંબેશ અમરલી નગર પાલિકા અને ટ્રાફિક પોલીસે શરૂ કરી હતી. ગઇકાલે આ માટેની ગાડી સાથે બંનેનો સ્ટાફ શહેરમાં રખડતી ગાયો પકડવા માટે નીકળ્યો હતો. જેમાં મારા ભાઇ કિરણભાઇને પણ તંત્રએ સાથે લીધો હતો. ગામની રખડતી ગાયો જ પકડવાની હોઇ અને બીજી કોઇની માલિકીની ગાયો હોઇ તો જે તે લોકોને જાણ કરી શકાય તે માટે થઇને પાલિકા અને પોલીસ તંત્રએ મારા ભાઇને સાથે રાખ્યો હતો. કારણ કે તે ગાયો-પશુપાલનનું કામ કરતો હોઇ તે બધાની ગાયો ઓળખતો હતો.

મારો ભાઇ પાલિકાની ગાડીમાં હતો ત્યારે અમારા ગામના ભરવાડ સમાજનું એક વ્હોટ્સએપ ગ્રુપ છે તેમાં મારા ભાઇને ગાળો આપતો ઓડિયો મેસેજ આવ્યો હતો. તમે ભરવાડ લોકોની જ ગાયો પકડાવો છો...તેવું બોલીને મારા ભાઇને ગાળો ભાંડવામાં આવતાં તેણે સાથેના પોલીસ સ્ટાફને જાણ કરતાં પોલીસે મેસેજ મોકલનારને ઠપકો આપ્યો હતો. આ બાબતે ખાર રાખી  રાતે મારો ભાઇ ઘરે હતો ત્યારે અચાનક રામકુભાઇ, ગુલાભાઇ, સગરામભાઇ સહિતના પંદરેક લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને છરીથી હુમલો કરી દેતાં મારા ભાઇ કિરણભાઇ અને કાકા ગોવિંદભાઇએ ગંભીર ઇજા થઇ હતી. જેમાં ગોવિંદભાઇએ અમરેલીમાં જ દમ તોડી દીધો હતો અને મારા ભાઇએ રાજકોટમાં અંતિમશ્વાસ લીધા હતાં. તેમ અમરૂભાઇએ વધુમાં જણાવ્યું હતું.

ત્રીજા યુવાન ભાવેશ વશરામભાઇ મકવાણા (ત્રાડ) (ઉ.૨૦)ને પણ ઇજા પહોંચતા અમરેલી દાખલ કરવામાં આવ્યો હોવાનું અમેરલીના પ્રતિનિધિએ જણાવ્યું હતું.

ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત

. બબ્બે હત્યાની ઘટનાને પગલે અમરેલી પોલીસે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ ગુનો નોંધવા કાર્યવાહી કરી આરોપીઓને રાઉન્ડ અપ કરવા દોડધામ આદરી છે.

હત્યાનો ભોગ બનનાર કિરણભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજોઃ તેના કાકા ગોવિંદભાઇ માતા-પિતાના એક જ પુત્ર હતાં

રાજકોટ તા. ૧૧: હત્યાનો ભોગ બનેલો કિરણભાઇ ઉર્ફ કરસનભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતો. તેના બહેનનું નામ ગીતાબેન અને નાના ભાઇનું નામ અમરૂભાઇ છે. માતાનું નામ બાઘુબેન તથા પિતાનું નામ નનુભાઇ નારણભાઇ મકવાણા છે. નનુભાઇ હાઇસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે.કિરણભાઇના લગ્ન થઇ ગયા હતાં. તેના પત્નિનું નામ સંગીતાબેન છે. સંતાનમાં બે પુત્ર રોમિલ (ઉ.૩) અને ભવ્ય (ઉ.૨) છે. જે બંનેએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. કિરણભાઇ પશુપાલન-દૂધનો ધંધો કરતો હતો. જ્યારે હત્યાનો ભોગ બનેલા કિરણભાઇના કોૈટુંબીક કાકા ગોપાલભાઇ માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે, જેમાં એક ૮ વર્ષનો અને બીજો ૧૦ વર્ષનો છે. બનાવને પગલે મકવાણા (ત્રાડ) પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

(3:24 pm IST)