Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ખંભાળિયા શહેર તાલુકામાં ૬૦૦ થી વધુ ડેન્ગ્યુના દર્દીઓઃ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સરકારી હોસ્પિટલમાં તપાસ થતી ન હોય દર્દીઓને બહાર રીપોર્ટ કરાવવા પડે છે

ખંભાળીયા તા. ૧૧ :.. ખંભાળીયા શહેર તથા તાલુકો ડેન્ગ્યુના દર્દી માટે રોજ આગળ વધતો જાય છે.  ખંભાળીયા શહેરની સરકારી હોસ્પિટલમાં રોજ ૬૦૦ થી ૭૦૦ દર્દીઓ આવે છે તેમાં તાવના મોટાભાગના દર્દીઓ હોય છે. પરંતુ ત્યાં ડેન્ગ્યુ માટે ખાસ તપાસની વ્યવસ્થાના હોય જો ખાનગી હોસ્પિટલમાં કે લેબોરેટરીમાં ૮૦૦ રૂપિયા દઇને ચેકીંગ થાય તેમજ ડેન્ગ્યુની ખબર પડે તેવું હોય દર્દીઓને રોગની ખબર પણ પડતી નથી અને જયારે ખબર પડે ત્યારે મોડું થઇ ગયું હોય છે.

વધુ એક તબીબ અને લેબ. ટેકનીશ્યન ડેન્ગ્યુમાં...!!

તાજેતરમાં ખંભાળીયા શહેરમાં એમ. ડી. કક્ષાના બે તબીબોને ડેન્ગ્યુ અને ચીકન ગુનિયા રોગ થયા પછી ગઇકાલે પણ વધુ એક ખાનગી તબીબ તથા એક લેબ ટેકનીશયન આ રોગમાં સપડાયા હતા તો દાંતા પાસે એરફોર્સના કવાર્ટરમાં રહેતા પાયલોટ પણ આ રોગના સંકજામાં આવતા તેમને પણ જામનગર ખસેડવા પડયા હતાં.

રોગચાળો ખાનગી હોસ્પિટલોમાં વ્યાપક

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ તપાસની કીટ મોંઘી આવતી હોય ભાગ્યે જ ચકાસણી થતી હોય ખાનગી હોસ્પિટલમાં રોગીઓનો વ્યાપક મોટો રહે છે. હાલ મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં પ થી ૧૦ દર્દીઓ સારવારમાં છે તો મોટાભાગની હોસ્પીટલમાં ૧૦૦ થી ૧પ૦ દર્દીઓ સારવાર લઇ ચૂકયા છે કે સારવાર ચાલુ છે.

ગઇકાલે ખંભાળીયા પાલિકા તંત્રને આરોગ્ય વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવ્યા છતાં નીંંભર તંત્ર હજુ કંઇ સ્વચ્છતાના પગલાના લેતું હોય હજુ રોજ શહેરમાંથી ૧૦ થી ૧ર દર્દીઓ જામનગર સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં જાય છે તથા એટલા જ નવા દર્દીઓ શહેર તથા તાલુકામાં દાખલ થાય છે.

આંગણવાડી પાસે ગંદકી

ખંભાળીયામાં પાલિકાના નીંભર તંત્રને પાપે રોગચાળો વ્યાપક થતો જાય છે. ગઇકાલે પાલિકા તંત્રને આરોગ્ય વિભાગની નોટીસ પછી પણ અહીંના સલાયા નાકા વિસ્તારમાં  આવેલ બાળ આંગણવાડીની સામે જ ગંદકી ખદબદતી હતી તથા મચ્છરોના ઢગલા હતા પણ તંત્રના ધ્યાનમાં નથી આવતાં....!!

કુદરતી હાજતે જાવ ને મચ્છરોનો ભોગ બનો...!!

ખંભાળીયા શહેરમાં ભાગ્યે જ કયાંક મુતરડી સાર્વજનિક હોય મોટાભાગના ગલીઓમાં પેશાબ જતાં હોય શારદા સિનેમા પાસે, જોધપુર ગેઇટ, બજારમાં વિ. અનેક સ્થળે પેશાબ કરવા જનારને ત્યાંની ગંદકી એવી હોય કે મચ્છરોનો ભોગ બને તેવી સ્થિતિ થતાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

(1:20 pm IST)