Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

હવે કચ્છ ઘાસની આયાત નહીં પરંતુ નિકાસ કરશે :માસ્ટર પ્લાન ઘડાયો

ગતવર્ષે અછતને પગલે 10 કરોડ કિલો ઘાસની આયાત કરાયેલ : વનતંત્રનો જબરો લક્ષ્યાંક : સ્વૈચ્છીક સંસ્થાઓએ ગામો લીધા દત્તક : મહત્તમ વાવેતર અને સંગ્રહ ક્ષમતા વધારવા સઘન પ્રયાસો

ભુજ : ગત વર્ષે કચ્છમાં અછતના પગલે 10 કરોડ કિલો ઘાસની અન્ય જિલ્લાઓમાંથી આયાત કરાય હતી. પરંતુ હવે આવનારા સમયમાં ઘાસ માટે કચ્છ આયાત કાર નહીં પણ નિકાસ કાર બનશે. પૂર્વ-પશ્ચિમ વનતંત્રે હાલમાં 2450 હેકટર જમીનમાં ઘાસચારાનુ વાવેતર કરી 15 લાખ કિલો ઘાસ વાવેતર કરવાનો લક્ષ્‍યાંક આપ્યો છે.

     જિલ્લાના 6 પ્રાંત હેઠળ આવતા 5-5 ગામ મળી કુલ 30 જેટલા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્વૈચ્છીક સંસ્થા મારફત ઘાસચારાનું વાવેતર કરાવી તેને મોડેલ રુપે પ્રસ્તુત કરાયા છે.આ માસ્ટર પ્લાન અંતર્ગત સ્વૈચ્છીક સંસ્થાઓએ ગામો દતક લીધા છે. સહજીવન સંસ્થાએ ભુજ,લખપત અને રાપર તાલુકામાં 18 ગામ દતક લઇ 109 હેકટરમાં ઘાસચારો વાવવાની કામગીરી આરંભી છે.

   સીજીપીએલે 42 ગામ, ગુજરાત ઇકોલોજી કમીશને 405 હેકટરમાં ઘાસચારા વાવેતરની તૈયારી દર્શાવી કાર્ય હાથ ધર્યું છે. આ ઉપરાંત કાઝરી, એગ્રોસેલ, રામકૃષ્ણ ટ્રસ્ટ, અદાણી ફાઉન્ડેશન તેમજ ગાઇડ સંસ્થાનો સહયોગ લેવામાં આવશે.આ માસ્ટર પ્લાનનો રિપોર્ટ સરકારમાં સોંપી મહતમ ગ્રાન્ટ આ હેતુ માટે મળે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.

   આખી યોજના લાંબાગાળાની હોઇ તેની અમલવારીમાં હજુ ખાસ્સો એવો સમય લાગી શકે તેમ છે..માસ્ટરપ્લાન અંતર્ગત ઘાસનું મહતમ વાવેતર થાય અને વવાયેલા ઘાસની સંગ્રહ ક્ષમતા વધારવા પર ખાસ ભાર મુકાઇ રહ્યો છે. વન વિભાગ, ગૈાશાળા-પાંજરાપોળ તેમજ મહતમ ગૈાચર જમીનમાં હાલ કેટલું વાવેતર થાય છે અને ભવિષ્યમાં કેટલી સંગ્રહ ક્ષમતા વધારી શકાય તેમ છે તેનો વિસ્તૃત અભ્યાસ કરાઇ રહ્યો છે.

(1:17 pm IST)