Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રવિવારે ગિરનારની ગોદમાં પૂ.શ્રી મોરારીબાપુના હસ્તે કવિશ્રી ખલીલ ધનતેજવીને અપાશે નરસિંહ એવોર્ડ

રૂપાયતન પરિસર ખાતે નરસિંહ એવોર્ડ અર્પણ સમારોહ યોજાશે

જુનાગઢ તા. ૧૧ : ગુજરાતી ગઝલ સાહિત્યમાં હેલી  માફક વરસતા કવિ શ્રી ખલીલ ધનતેજવીને વર્ષ ર૦૧૯નો નરસિંહ મહેતા એવોર્ડ પૂ. શ્રી મોરારીબાપુના હસ્તે. આગામી તા.૧૩ ઓકટોબર રવિવારના રોજ શરદપુનમની સોહામણી સંધ્યાએ ગિરનારની ગોદમાં ભવનાથ સ્થિત રૂપાયતનના પરિસરમાં એનાયત થશે.

૧૯૯૯થી આદ્યકવી નરસિંહ મહેતા સાહિત્ય નિધીટ્રસ્ટ દ્વારા અપાતો આ એવોર્ડ પૂ. શ્રી મોરારીબાપુની સાહિત્ય પ્રીતી - પ્રોત્સાહક અભિગમ અને પ્રેરણાત્મક ઇચ્છા શકિતથી વિદ્યમાન કવિને કવિતા ક્ષેત્રના તેના પ્રદાન બદલ અપાય છે. સૌ પ્રથમ ૧૯૯૯માં આ એવોર્ડ રાજેન્દ્ર શાહને અપાયો હતો. ગત વર્ષે ર૩મો એવોર્ડ કવિશ્રી વિનોદ જોષીને એનાયત થયો હતો.

જયારે ર૪મો એવોર્ડ આગામી રવિવારે વડોદરા પાસેના ધનતેજ ગામમાં ૧ર ડિસેમ્બર ૧૯૩૮માં જન્મેલ કવિ શ્રી ખલીલ ધનતેજવીને એનાયત થશે.

કાર્યક્રમના પ્રારંભ ભરત પટેલ દ્વારા નરસિંહ મહેતાના પદગાન સાથે થશે. કવિ વિનોદ જોષીના વકતવ્ય પછી  રઘુવીર ચૌધરીનું પ્રાસંગીક પ્રવચન રહેશે.

આ તકે પુરસ્કૃત કવિ પોતાનું ગઝલોનું પઠન કરશે. મિનરાજ સંસ્થાની દિકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિના અંતે પૂ. મોરારીબાપુના પાવન કળકમળ દ્વારા એવોર્ડ અર્પણ અને તેમના આર્શિવાદક ઉદબોધન સાથે કાર્યક્રમ પુર્ણ થશે.

કાર્યક્રમનું સંચાલન કવિ નીતીન વડગામા કરશે. આ પ્રસંગે આદ્યકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટના ટ્રસ્ટી, રઘુવીર ચૌધરી, લાભશંકર પુરોહીત,  હરિશચંદ્ર જોષી, હર્ષદ ચંદારાણા, પુર્ણિમા ખંડેરીયા, પ્રણવ પંડયા અને યજમાન સંસ્થા રૂપાયતનના સંવાહક હેંમતભાઇ નાણાવટી વગેરે ઉપસ્થિત રહેશે.

(1:15 pm IST)