Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગારીયાધાર નગરપાલિકાની સામાન્ય સભા ભારે હો હા અને દેકારા સાથે પુર્ણ

નાણાકિય ખર્ચના હિસાબોનો ચીફ ઓફિસર સંતોષકારક જવાબ ન આપી શકયા

ગારીયાધાર તા.૧૧: ગારીયાધાર નગરપાલીકા ખાતે સવારે ૧૧ કલાકે ચુસ્ત બંદોબસ્ત સાથે ન.પા.ની સામાન્ય સભા બોલાવાય હતી જેમાં વિવિધ અઢાર મુદ્દે સતા પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા ભારે ધાંધલ-ધમાલ વચ્ચે ૩ કલાક સુધી સામાન્ય સભા ચાલી હતી.

આ સામાન્ય સભામાં ૧૮ પૈકીના માહે-જાન્યુઆરી ૧૯ થી માર્ચ-૧૯ સુધીના માસિક સરવૈયા મંજુર કરવા મુદ્દે ભારે ચર્ચા થવા પામી હતી. જેમાં પેટ્રોલ, ડિઝલ, પગાર ધોરણ જેવી રકમોને બહાલી અપાય જયારે સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચવામાં આવેલા ૩ લાખના હિસાબનો તાગ ન મળતા જે નામંજુર કરાયુ હતું જયારે નગરપાલિકા દ્વારા અન્ય ૭ લાખના ખર્ચનું બિલની વિગતો ને સરવૈયાની વિગતો ચાલુ સભા દરમિયાન  ન.પા. એકાઉન્ટન્ટ પાસે વિરોધ પક્ષ દ્વારા માંગવામાં આવતા રજુ કરાયો હતો.

જયારે વિરોધ પક્ષના અશોકભાઇ ભરોળિયા નજીર મિયા સૈયદ, રમેશભાઇ ખિમસુરીયા અને રમેશભાઇ પાળિયાદરા દ્વારા તેમના વોર્ડ બેબા રોડ અને મફતનગરમાં વિકાસના કામો ન થતા હોવાની વાત રજુ કરી ભારે ધમાલ મચાવી હતી તેમજ ચિફ ઓફિસર દ્વારા ન.પા.ના સદસ્યો દ્વારા માહિતીઓ માગવા છતા ન આપતા હોવાની રાવો ઉઠવા પામી હતી.

જયારે શાસીત પક્ષના શાંતીભાઇ મકવાણા, કનુભાઇ ગોરસીયા અને ઓધાભાઇ પરમાર દ્વારા પણ ન.પા. દ્વારા ખર્ચમાં આવતા બિલો બાબતે પ્રશ્ન રજુ કર્યા હતા. જયારે એન. એસ. જીવાણી કેસ બાબતે રજુઆત અધિકારીઅને તપાસ અધિકારીના પ્રશ્ને સમગ્ર વિગતો નિયામક શાખામાં આપી  કેસ આપી કેસ બાબતે યોગ્ય કાર્યવાહિ કરાવા નકકી કરવામાં આવ્યું હતું.

વળી, ગત સામાન્ય સભાના રોયલના મુદ્દે અંદાજે ચુકવાયેલા ૧પ લાખને બહાલી આપવામાં ને બાબતે રજુ થતા શાસિત પક્ષ અને વિરોધપક્ષ દ્વારા બહાલી ન આપવાનો નિર્ણય કરાયો હતો. જેમ મુદ્દે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન વાઘેલા અને ચીફ ઓફિસર ડી. વી. વઘાસીયા પ્રશ્નોના ઘેરામાં આવી જતા બંને દ્વારા વારંવાર ધારાસભ્યને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો. વળી, માહે એપ્રિલ-૧૯ થી જુન-૧૯ સુધીના માસિક ખર્ચ અંગેના હિસાબો ચિફ ઓફિસર પાસે માંગવામાં આવતા તેમના દ્વારા આ મુદ્દે હાથ ઉંચા કરી દેવાયા હતા. જે મુદ્દામાં જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા ખર્ચા કરવાનું તેમણે જણાવ્યું હતું.

આ સમગ્ર સામાન્ય સભામાં કોઇ વિધ્ન ન આવે તે માટે શાસિત પક્ષના સભ્યોને એકઠા કરી સંકલનમાં લેવામાં આવ્યા હતા. પરંતુ જે સંકલન સામાન્યસભા દરમિયાન કોઇપણ મુદ્દે દેખાયો ન હતો.

(11:41 am IST)