Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વાંકાનેરઃ ખેરવા ગામ પાસે ર બસ વચ્ચે ટક્કરઃ ૩પ મુસાફરોને ઇજા

બસમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ૩ જેસીબીની મદદ લેવી પડીઃ તમામ વાંકાનેર-રાજકોટ સારવારમાં

વાંકાનેરઃ તસવીરમાં અકસ્માતગ્રસ્ત બસો, તથા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસવીરઃ નિલેશ ચંદારાણા- મહમદ રાઠોડ- વાંકાનેર)

વાંકાનેર તા. ૧૧ : વાંકાનેર-કુવાડવા વચ્ચે ખેરવા ગામ પાસેથી જોખમી ગોલાઇમાં બે બસો સામસામી અથડાતા બન્ને બસના ડ્રાઇવરો સહીત ૩પ જેટલા મુસાફરોને ઇજા થતા સારવાર અર્થે વાંકાનેર અને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ વાંકાનેરથી રાજકોટ જતી એસ.ટી.બસ નં. જી.જે.-૧૮-ઝેડ-પપ૩૪ અને સામે રાજકોટથી વાંકાનેર આવતી એસ.ટી.બસ નં. જી.જે.૧૮ ઝેડ-૦૩૭૩ ખેરવા ગામ પાસેની જોખમી ગોલાઇમાં ટર્ન લેતીવેળાએ સામસામી અથડાતા બન્ને બસની ડ્રાઇવર કેબીનનો ભુકકો બોલી ગયો હતો.

અને બન્ને ડ્રાઇવરોને ગંભીર ઇજા થઇ હતી સવારે સાડા સાતેક વાગ્યે બનેલા આ બનાવમાં એક બસના ડ્રાઇવરને કેબીનમાંથી કાઢી સારવાર અર્થે સીધા રાજકોટ લઇ જવાયા છે. જયારે બીજા ડ્રાઇવર કે જે વાંકાનેરથી રાજકોટ જતી બસના ડ્રાઇવરનો પગ બસના સ્ટ્રેરીંગ અને એન્જીન વચ્ચે ફસાય ગયો હોય જેને પોણા દસ વાગ્યા સુધી ઇજાગ્રસ્ત હાલતમાં બસ કેબીનમાં ફસાયેલ હોય જેને કાઢવા માટે ત્રણ જે.સી.બી.ની મદદ લેવી પડી હતી.

અકસ્માતના બનાવની જાણ થતા પ્રાંત અધીકારી વસાવા, મામલતદાર એ.બી.પરમાર ઉપરાંત એસ.ટી.ડેપોના અધીકારીઓ કર્મચારીઓ અકસ્માત સ્થળે દોડી ગયા હતા જયારે ખેરવા ગ્રામજનો પણ આ અકસ્માતમાં ઘવાયેલાઓને ૧૦૮ ની મદદથી સારવાર માટે ખસેડવામાં મદદે દોડી આવ્યા હતા. વાંકાનેર સરકારી હોસ્પીટલે ઇજાગ્રસ્તોની સેવામાં હોસ્પીટલ સ્ટાફ ઉપરાંત સેવાભાવી કાર્યકરો પણ પહોંચી ગયા હતા.

મુસાફરોને ગંભીર તથા નાની મોટી ઈજાઓ થતા ગંભીર ઈજાગ્રસ્તોને ૧૦૮માં રાજકોટ જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવેલ છે.

ઉપરોકત અકસ્માત  બાદ વાંકાનેરના નાયબ કલેકટરશ્રી વસાવા તથા તેનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી જઇ ઈજાગ્રસ્તોને માટે ૧૦૮ બોલાવીને તથા ગંભીર ઈજાગ્રસ્તોને રાજકોટ તેમજ અન્યોને વાંકાનેર ખસેડેલ હતા. એસ.ટી. ડ્રાઇવર બ્લોચને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ રીફર કરેલ છે. જ્યારે સામેની એસટી બસના ડ્રાઇવર માનસિક તણાવમાં આવી ગયાનું જાણવા મળે છે.

 

(1:24 pm IST)