Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગોમટામાં ભાઇના મિત્રના ડખ્ખામાં નિર્દોષ પ્રદિપ ખાંટની હત્યા

૨૪ વર્ષના પ્રદિપે નવરાત્રીમાં બાજુના નવાગામમાં પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો'તોઃ ત્યારે તેના નાના ભાઇ વિરલના મિત્ર વિજય કોળી સાથે નવાગામના અશોક ખાંટે ઝઘડો કર્યો હતોઃ ગત સાંજે અશોક સરવૈયા (ખાંટ) ફરીથી ગોમટા આવ્યો અને વિજયને મળવા બોલાવતાં વિજય મિત્ર વિરલને લઇને વાત કરવા ગયોઃ ત્યાં પાછળ વિરલનો ભાઇ પ્રદિપ પણ પહોંચ્યો ને તેના પર હુમલો થયોઃ રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારમાં કલ્પાંત

હત્યાનો ભોગ બનનાર પ્રદિપ મુલીયા (ખાંટ)નો નિષ્પ્રાણ દેહ, વિલાપ કરતાં તેના માતા-પિતા અને વિગતો જણાવનાર હત્યાનો ભોગ બનનારનો મોટો ભાઇ વિરલ તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૧: ગોંડલ તાલુકાના ગોમટામાં રહેતાં ૨૪ વર્ષના ખાંટ યુવાન પ્રદિપ ચંદુભાઇ મુલીયાની પોતાના મોટા ભાઇ વિરલના ભાઇબંધના ડખ્ખામાં વચ્ચે પડતાં હત્યા થઇ જતાં કલ્પાંત સર્જાયો છે. ખાંટ શખ્સોએ જ કરેલા હુમલામાં ઘાયલ પ્રદિપે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સવારે દમ તોડી દીધો હતો. નવરાત્રી વખતે પ્રદિપના નાના ભાઇ વિરલના મિત્ર વિજય કોળીને બાજુના નવાગામના ખાંટ શખ્સ અશોક સરવૈયા સાથ ડખ્ખો થયો હતો. આ બાબતે ગત સાંજે અશોક વાત કરવા ગોમટા આવ્યો ત્યારે વિજય મિત્ર વિરલને લઇને અશોકને ગામના બસ સ્ટેશન પાસે મળવા ગયો હતો. પાછળથી પ્રદિપ પણ ત્યાં પહોંચ્યો હતો અને વાત વણસતાં તેના પર અશોક સહિતનાએ હુમલો કરી દીધો હતો, જે જીવલેણ નીવડ્યો હતો.

ઘટનાની વિગતો જોઇએ તો ગોમટામાં રહેતાં પ્રદિપ ચંદુભાઇ મુલીયા (ઉ.૨૪) પર સાંજે ગામના બસ સ્ટેશન પાસે પાણીપુરીની લારી નજીક બાજુના નવાગામના અશોક સરવૈયા નામના ખાંટ શખ્સ તથા બીજા બે શખ્સોએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં વિરપુર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે પ્રદિપે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

હત્યાનો ભોગ બનનાર પ્રદિપના નાના ભાઇ વિરલે વિગતો આપતા જણાવ્યું હતું કે-પ્રદિપ અને હું પિતાને ખેતી કામમાં મદદરૂપ થઇએ છીએ. અમે બંને ભાઇઓ કુંવારા છીએ. નવરાત્રી દરમિયાન ભાઇ પ્રદિપે બાજુના નવાગામમાં પાણીપુરીની દૂકાન શરૂ કરી હતી. ચોથા કે પાંચમા નોરતે હું, પ્રદિપ અને મારો મિત્ર વિજય કોળી એમ ત્રણેય નવાગામની અમારી દૂકાને હતાં ત્યારે વિજય કોળીને નવાગામના ખાંટ શખ્સ અશોક સરવૈયા સાથે અગાઉ છોકરી બાબતે માથાકુટ ચાલતી હોઇ તે અમારી દૂકાને આવ્યો હતો અને વિજય સાથે માથાકુટ કરી હતી.

દૂકાનમાં ગ્રાહકની આવ-જા ચાલુ હોઇ મેં ત્યારે અશોક અને વિજય બંનેને દૂર લઇ જઇ શાંતિથી વાત કરી સમાધાન કરી લેવા સમજાવતાં બંને ત્યારે અલગ પડી ગયા હતાં. પરંતુ એ પછી પણ અવાર-નવાર અશોક મારા મિત્ર વિજયને ફોન કરી ગાળો દેતો હતો. ગઇકાલે સાંજે અશોક ગોમટાના બસ સ્ટેશન પાસે તેના મિત્રો સાથે આવ્યો હતો અને મારા મિત્ર વિજયને ફોન કરી મળવા માટે બોલાવતાં વિજય મને બોલાવવા ઘરે આવતાં હું તેના બાઇક પાછળ બેસીને સાથે ગયો હતો.

પાછળથી મારો ભાઇ પ્રદિપ પણ આવ્યો હતો. ત્યારે અમારી સાથે અશોક સહિતના માથાકુટ કરી મારામારી કરતાં હોઇ મારો  ભાઇ પ્રદિપ છોડાવવા વચ્ચે પડતાં અશોક સહિતનાએ તેને ધોકાના ઘા ફટકારી દીધા હતાં અને તે બેભાન થઇ પડી ગયો હતો. તેને અમે પહેલા વિરપુર લઇ ગયા હતાં ત્યાંથી રાજકોટ લાવ્યા હતાં.

ગોંડલ તાલુકા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરી હતી. હત્યાનો ભોગ બનનાર પ્રદિપ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તેની બે બહેનો સગુણા અને ભાવનાના પંદર વર્ષ પહેલા મૃત્યુ થયા હતાં. પ્રદિપના માતાનું નામ હેમીબેન છે. પિતા ચંદુભાઇ મુલિયા ખેત મજૂરી કરવા ઉપરાંત સાડીના કારખાનામાં કામ કરે છે. નિર્દોષ અને યુવાન આધારસ્તંભ દિકરાની  હત્યાથી માતા-પિતા શોકમાં ગરક થઇ ગયા છે. તેના આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

(11:29 am IST)