Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પોરબંદરમાં પૂ. ખાનુરામજીની ૬૮મી વરસી ઉત્સવઃ સિંધી સમાજ દ્વારા ૬ દિવસ કાર્યક્રમો

મેમણવાડામાં મંદિરે સોમવારે ગુરૂગ્રંથ સાહેબઃ પૂજન કિર્તન સિંધી સમાજમાં વયોવૃધ્ધ માતાઓનું સન્માનઃ પ્રાગજીબાપા આશ્રમમાં ભોજન સમુહ જનોઇ અને જ્ઞાતિ અગ્રણીઓનો સન્માન સમારંભ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ તથા પાંજરાપોળમાં નીરણ વિતરણ

પોરબંદર તા. ૧૧ :.. સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની '૬૮મી' વરસી ઉત્સવ નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. તા. ૧૪ થી તા. ર૦ વિવિધ વધુ કાર્યક્રમો યોજાશે.

સિંધી સમાજમાં સંત ખાનુરામજીના ઉચ્ચ વિચારો અને આદર્શો પર ચાલતો સિંધી સમાજ દ્વારા પૂ. ખાનુરામજીની ૬૮ મી વરસી ઉત્સવને ભકિતભાવ પૂર્વક ઉજવવા બે ડઝનથી પણ વધુ સામાજીક સેવાકીય કાર્યક્રમોની સાથો સાથ સમગ્ર જગતને રાહ ચીંધવા સિંધી સમાજ દ્વારા વ્યસન મુકિત, બેટી બચાવો, ચક્ષુદાન અભિયાન, થેલેસેમિયા જેવા લોકજાગૃતીનાં કાર્યક્રમો પણ ઉજવાશે તેમ સંત શ્રી ખાનુરામજીના વંશજ એવા પૂ. સાંઘણી માતાનાં સુપુત્ર અને પોરબંદર ખાતે સ્થિત ગાદીપતિ સંત શ્રી દાંદુરામજીએ જણાવ્યું હતું.

સોમવારે સવારે ૯ કલાકે સિંધી સમાજ તમામ ભાઇ-બહેનો લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી ગુરૂનાનક મંદિરે ભેગા થશે. ગુરૂનાનક મંદિરેથી ગુરૂગ્રંથ સાહેબને વાજતે ગાજતે મેમણવાડા ખાતે સંતશ્રી ખાનુરામજીના મંદિરે શ્રી ગુરૂગ્રંથ સાહેબના પાઠને વિધિવત બિરાજમાન કરાશે. શ્રી ગુરૂગ્રંથ સાહેબનું પૂજન થશે અને ભજન કિર્તનનો કાર્યક્રમ થશે.

અબાલવૃધ્ધ તમામ ઉમરની વ્યકિતઓ માટે અનેકવિધ સાંસ્કૃતિક, સામાજીક, સેવાકિય કાર્યો રૂપે બે ડઝનથી પણ વધુ પ્રવૃતિઓ આ સપ્તાહ દરમ્યાન યોજાશે.

તા. ૧૪ સોમવારે સવારે ૯.૩૦ કલાકે સાપ્તાહિક પાઠ સાહેબ વિધીવત મંત્રોચાર સાથે આરંભ થશે તેમજ દરરોજ સવાર - સાંજ સાત-સાત દિવસ સુધી વડોદરાાના નામી કલાકાર ભગત પ્રકાશભાઇ અને પોરબંદરની સંતશ્રી ખાનુરામ બાલક મંડળી પોતાના સાથી કલાકારો સાથે સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરશે. સાંજે પ કલાકે હિન્દુ સ્મશાન ભૂમિમાં આવેલ સંતશ્રી ખાનુરામજીના મંદિરે સિંધી સમાજના ભાઇ-બહેનો માટે ભજન-કિર્તનનો ભવ્ય કાર્યક્રમ થશે. તા. ૧પ ના મંગળવારે સાંજે ૬ કલાકે વરસી ઉત્સવ નિમિતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં તમામ દર્દીઓને ફુટ વિતરણ કરાશે. જેમાં તમામ દર્દીઓને વેફર, બીસ્કીટ, સફરજન, કેળા, ચીકુ, મોસંબીની કીટ બનાવીને આપવામાં આવશે.

તા. ૧૬ ના બુધવારે બપોરે ૧ર.૩૦ કલાકે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આઇસ્ક્રીમ આપવામાં આવશે.

તા. ૧૭ ના ગુરૂવારે સવારે ૯ કલાકે પાંજરાપોળ ખાતે આવેલ ગૌમાતાઓને ગૌમાતાઓને નિરણ અર્પણ કરવામાં આવશે. તા. ૧૮ ના શુક્રવારે સાંજે પ કલાકે તેમજ રાત્રે ૯ કલાકે બન્ને ટાઇમ સંતશ્રી ખાનુરામજીના મંદિરે પોરબંદરના તમામ સિંધી સમાજના ભાઇ-બહેનો માટે ભજનકિર્તન થશે. લોલી, પલ્લવ, માનતા પછી સિંધી સમાજના બહેનો દ્વારા ઘરેથી તૈયાર કરેલ થાળી આરતી દ્વારા સંતશ્રી ખાનુરામજીના તૈલચિત્ર સમક્ષ મંદિરમાં મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ થશે, ત્યારબાદ પ્રસાદ વિતરણ કરાશે. રાત્રે ૯-૩૦ કલાકે રાજકોટના મશહુર કલાકાર કાસમ કવાલ પોતાના સાથી કલાકારો સાથે રમઝટ બોલાવશે તેમજ આ પ્રોગ્રામમાં ઠાર માતા ઠાર ગીતનો પાત્ર રજુ થશે તેમજ અન્ય પાત્રો પણ રજૂ કરવામાં આવશે.

શુક્રવારે સવારે ૧૧ કલાકે સંતશ્રી ખાનુરામજી પૂજય માતા ખાનુરામજી પૂજય માતા સાઘણીનું મંદિર થલ્હી મેમણવાડા ખાતે પોરબંદર સિંધી સમાજના વયોવૃધ્ધ માતાઓ જે પોરબંદર ખાતે ૬૭ વરસથી પોરબંદરના મેમણવાડા ખાતે આવેલ સંતશ્રી ખાનુરામજી પૂજય માતા સાઘણીજીના મંદિર થલ્હીએ ઉજવાતી સંત શ્રોમણી ખાનુરામજીની ૬૭ વરસી ઉત્સવમાં હાજર રહી સેવા કરીને ૬૭ વરસીઓમાં હાજર રહી ને સંતોના આશિર્વાદ પ્રાપ્ત કરેલ છે એવી સિંધી સમાજની વયોવૃધ્ધ માતાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે વયોવૃધ્ધ માતાઓનું ગાદિનશીન સંતશ્રી દાંદુરામજી સન્માન કરશે.

શુક્રવારે બપોરે ૧૧.૩૦ કલાકે પાગલોના સંત પ્રાગજીબાપા આશ્રમ ખાતે આવેલ ૮૦ જેટલા પાગલોને વરસી ઉત્સવ નિમિતે પાગલોને સિંધી સમાજના યુવાનો દ્વારા ભરપેટ ભોજન કરાવવામાં કરાવાશે.

શનિવારે રાત્રે ૯.૩૦ કલાકે સંત શ્રોમણી શ્રી ખાનુરામ સાહેબ પૂજય માતા સાધણી સાહેબજીના મંદિરે મેમણવાડા ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આ વખતે ઇન્ટરનેશનલ સિંગર અજમેરના યુવા કલાકાર શ્રી લેવી ભગતની છમાછમ ટોલીનો અદ્ભુત પ્રોગ્રામ થશે તેમજ તે પછી રાજકોટના મશહુર કલાકાર કાસમ કવાલ પોલાના સાથી કલાકારો સાથે કાર્યક્રમ રજૂ કરશે. બન્ને કાર્યક્રમોનો લાભ લેવા અપીલ કરાઇ છે. અને આ વખતે પહેલી જ વાર બન્ને પ્રોગ્રામોમાં અલગ અલગ વેશભુષાઓનો લાઇવ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

શનિવારે સવારે ૧૦ કલાકે કુતિયાણાના પ.પૂજય શ્રી ઝૂલેલાલ મંદિરના ગાદિપતી શ્રી મનિષકુમારના પૂજય ભહેરાણા સાહેબનું આયોજન કરવામાં આવેલ છે. પૂજય ભહેરાણા સાહેબના કાર્યક્રમ અલગ અલગ પાત્રો કૃતિઓ રજૂ કરવામાં આવશે, પૂજય ભહેરાણા સાહેબનું કાર્યક્રમ સંતશ્રી ખાનુરામજી પૂજય માતા સાધણી સાહેબજીનું મંદિર થલ્હી, મેમણવાડા ખાતે કરવામાં આવેલ છે.

રાત્રે ૧૦ કલાકે પોરબંદરના નાના બાળકો અલગ અલગ વેશભુષા ધારણ કરીને કાર્યક્રમો રજૂ કરશે. ભાગ લેનાર તમામ બાળકોએ ઇનામ આપવામાં આવશે.

સિંધી સમાજમાં પોતાનું સેવાકિય સમય આપીને સતત સમાજનું વર્ષો વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા કરતાં જ્ઞાતિ આગેવાનોનું સન્માન સમારંભ તા. ર૦ ના રવિવારે સવારે ૧૧ કલાકે સંતશ્રી ખાનુરામજી પૂજય માતા સાધણીજીના મંદિરે થલ્હીએ શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવશે.

સવારે નવ વાગ્યે સમુહ જનોઇનો કાર્યક્રમ આ વખતે સંતશ્રી ખાનુરામ સાહેબ પૂજય માતા સાધણીજીનું મંદિર થલ્હી મેમણવાડા-પોરબંદર ખાતે યોજાશે. સમુહ જનોઇના કાર્યક્રમમાં આ વખતે સંતશ્રી ખાનુરામ સાહેબ પૂજય માતા સાધણી સાહેબના વંશજો તેમજ સંતશ્રી દાંદુરામ સાહેબ પૂજય માતા નેવંદ સાહેબના પૌત્ર બાલકો ચિ. ગૌતમ સતિષકુમાર, ચિ. યશ રાજેશકુમાર, ચિ. માનવ રાજેશકુમાર સમુહ જનોઇના કાર્યક્રમમાં કુલ ર૪ જેટલા બાળકો સાથે સમુહમાં જનોઇ ધારણ કરશે.

ઉપરોકત કાર્યક્રમમાં પોરબંદર સહિત રાજયભરના વિવિધ શહેરોમાંથી આવેલા સિંધી સમાજના આગેવાનો તથા લોકો પોતાના સંતાનો માટે સંતશ્રી દાંદુરામજી ભગતના આશિર્વાદ મેળવી તેમની નિશ્ચર્યમાં જનોઇની પવિત્રવિધી દ્વારા યજ્ઞોપવિત ધારણ કરશે અને સોળ સંસ્કાર માના એક સંસ્કાર સ્વીકારી પોતાનું જીવન ધાર્મિક રીતે જીવવાનો કોલ આપશે. જનોઇ ધારક તમામ બાળકોને મંદિર તેમજ પોરબંદર તેમજ બહારગામ સિંધી સમાજના આગેવાનો દ્વારા સર્વે બાળકોને આશ્વાસન ગીફટો આપવામાં આવશે.

સમુહ જનોઇના કાર્યક્રમની શુધ્ધ મંત્રોચ્ચાર સાથે પવિત્રવિધી જુનાગઢના મશહુર બ્રાહ્મણદેવતા શ્રી જય શર્મા દ્વારા કરવામાં આવશે. સમુહ જનોઇ કાર્યક્રમ બાદ લાડા-સાંજીના ગીત પણ જુનાગઢના મશહુર સિંગર જય શર્મા મ્યુઝીકલ પાર્ટી દ્વારા યોજવામાં આવેલ છે. ઉપરોકત કાર્યક્રમમાં સિંધી સમાજના સંતો-મહંતો ઉપસ્થિત રહીને સમુહ જનોઇ ધારક બાળકો તેમજ સર્વે સાધ સંગતને આશિર્વાદ પાઠવશે.

રવિવારે સાંજે ચાર વાગ્યે સંતશ્રી ખાનુરામજી મંદિરે શ્રી ગુરૂગ્રંથ સાહેબના પાઠની પુર્ણાવતી થશે. પુર્ણાવતી બાદ તમામ ઉપસ્થિત ભાઇ-બહેનોને પ્રસાદ વિતરણ કરાશે.

વિવિધ શહેરોમાં સંત શ્રોમણી શ્રી ખાનુરામ સાહેબ પૂજય માતા સાધણી સાહેબના મંદિરો આવેલા છે. જેમાં વર્ષેથી નિસ્વાર્થ ભાવે અવિરતપણે સેવા આપનાર સેવાદારીઓના સન્માનનો કાર્યક્રમ  રવિવારે સવારે ૧૧ કલાકે લોહાણા મહાજન વંડી ખાતે ગાદિપતિ સંતશ્રી દાંદુરામ સાહેબના હસ્તે તમામ સેવાદારીઓ હાજરી આપશે.

શનિવારે રાત્રે મંદિરે તેમજ તા. ર૦ ના રવિવારે સવારે સમુહ જનોઇના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત આ વખતે પોરબંદર સિંધી સમાજની નાની પ૧ જેટલી બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે પૂર્વ કેબીનેટ ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખરીયા હાજરી આપશે.

બહારગામથી પધારતા સિંધી સમાજના ભાઇ-બહેનો માટે ઉતારા વ્યવસ્થા શ્રી લોહાણા મહાજન વંડી, શ્રી દિવેચા કોળી જ્ઞાતિ વંડી, શ્રી હાલારી વાણંદ જ્ઞાતિની વંડી તેમજ સિન્ધુ ભવન સહિત અન્ય વંડીઓમાં કરવામાં આવેલ છે તેમજ ભકતજનો માટે સમુહ પ્રવાદનું આયોજન દિવેચા કોળી જ્ઞાતિની વંડી ખાતે કરવામાં આવેલ છે.

સંત ખાનુરામજી ઉપર ભકતોની અતૂટ શ્રધ્ધા

પોરબંદર તા ૧૧ :  સંત ખાનુરામજી તથા પૂજય શ્રી સાંઘણી માતા પર સિંધી સમાજના લોકોને અતુટ શ્રધ્ધા છે.

સાત દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં સિંધી સમાજના લોકો પોતાના ઘરેથી પાણીની ભરેલી બોટલ લઇ આવે છે. આ બોટલો ખાનુરામજીના મંદિરે થલ્લી પર રાખવામાં આવે છે. સાત દિવસ બાદ આ બોટલનું પાણી જે તે બોટલ લાવનાર  ઘરે લઇ જાય છે. ઘરમાં આવતી માંદગી, સમસ્યાઓ તથા મુશ્કેલી વેળાએ આ પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરીને સમસ્યાઓની ચપટીમાં નીકાલ મેળવી લે છે. આ પાણીને સિંધી સમાજના લોકો ખુબજ પવિત્ર માને છે. ઘરમાં કરાતાં શુભકાર્યોની શરૂઆત વેળાએ આ પાણીનો પ્રસાદ લેવાય છે. પૂં. સાંઘણી માતા પાસે મનોકામના પૂર્ણ થાય એવા આર્શિવાદ માંગે છે. મંદિરમાં બારેમાસ ચોવીસ કલાક જયોત ચાલુ રાખવામાં આવે છે. ગુરૂગ્રંથ સાહેબના પુસ્તકોનું વ્યાસપીઠ પરથી વાંચન કરવામાં આવે છે. સિંધી સમાજના કેટલાક નિઃસંતાન દંપતિઓ સંતાન મેળવવા માટે વ્યાસપીઠની પાછળ ઘરેથી લવાયેલા રૂમાલમાં ફ્રુુટ બાંધે છે.

સાત દિવસ પછી આ ફળનો પ્રસાદ લેવાથી નિઃસંતાન દંપતિઓને સંતાન થાય છે. જેવી સિંધી સમાજમાં દ્રઢ માન્યતા છે. કેટલાયે નિઃસંતાન દંપતિઓએ આ પરચો મળવ્યો છે. તેવી ભકતોમાં શ્રધ્ધા છે.

પોરબંદરમાં વરસી ઉત્સવની  ઉજવણી માટે વિવિધ સમિતીઓ

પોરબંદર તા ૧૧ : ખાનુરામ સાહેબની વરસી ઉત્સવ માટે સિંધી સમાજના આગેવાનો અને યુવાનોની કુલ ૩૧ વિવિધ સમિતીઓ બનાવવામાં આવેલ છે. (૧) સ્વાગત સમિતી,(ર) દેખરેખ સમિતી, (૩)સમુહ જનોઇ સમિતી, (૪) દરરોજના કાર્યક્રમ સમિતી, (પ) આરોગ્ય સમિતી, (૬) સમુહ પ્રસાદ સમિતી, (૭)ઉતારા વ્યવસ્થા સમિતી, (૮) સાંસ્કૃતિક પ્રોગ્રામ સમિતી, (૯) માહીતી કેન્દ્ર સમિતી આ સિવાય કુલ ૩૧ જેટલી અલગ અલગ સમિતીઓની રચના કરવામાં આવી છે. દરેક સમિતીના અલગ અલગ ચેરમેનોની નિમણુંક દ્વારા જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. તેમ  સિંધી સમાજના અગ્રણી અને સંતશ્રી ખાનુરામ મંદિરના મુલચંદભાઇ નવલાણી, સતિષભાઇ નવલાણી, રાજાભાઇ નવલાણી, મા. શ્રી કેતનભાઇ દાણી, સુનિલભાઇ નવલાણીએ યાદીમાં જણાવેલ છે.

(11:30 am IST)