Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વિરમગામ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ત્રણ ત્રણ વાર વાવણી કરવા છતાં પાક નિષ્ફળ

વઢવાણ તા. ૧૧: વિરમગામ, માંડલ, દેત્રોજ સહીત નળકાંઠા પંથકમાં ગયા અઠવાડિયા થયેલ ભારે વરસાદના કારણે ખેતરોના ઉભા પાક જેવા કે એરંડા, કપાસ, જુવાર, બાજરી, તલ, કઠોર, ડાંગર સહિતના પાક ખેતરોમાં પાણી ભરાતા નાશ પામતા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે.

જગતનો તાત લાચાર થયો છે અને પહેલા વરસાદ ખેંચાતા અને પછી અતિવૃષ્ટિના કારણે ત્રણ વાર પાક નિષ્ફળ જતાં સરકાર પાક વીમો સહિત કૃષિ પેકેજની જાહેરાત કરી ખેડૂતોને દેવાના ડુંગરમાં દબાતા બચાવી લે તેવી ખેડૂતોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પાસે અપેક્ષા રાખે છે.

ભોજવા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે ઘણા વર્ષો પાક વીમો લીધો હતો છતાં પાકમાં નુકસાન થતા વીમા કંપની દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવે છે અને અજબો રૂપિયા ચાંઉ કરી જાય છે આ ભોજવા વિસ્તારમાં ૧૧૦૦૦ વીઘા જમીન આવેલી છે. અગાઉ ઘણા વર્ષો પહેલા તેમાં ત્રણ ખેડૂતોને પાક વીમાના રૂપિયા ૬ મંજૂર કરી ખેડૂતોની હાંસી ઉડાવી હતી ત્યારે માત્ર પ્રીમિયમ વસૂલતી વીમા કંપની પ્રત્યે ખેડૂતો કેવી રીતે ભરોસો કરે.

વધુમાં ભોજવા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ આ પંથકમાં કોઇ નદી કે ડેમ આવેલ નથી તો પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાય છે તેનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આજુબાજુ નર્મદા કેનાલો બનાવેલ છે તેને બનાવતી વખતે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા આજે બધા જ ખેતરો વરસાદથી ભરી જાય છે.

(11:25 am IST)