Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

માળીયા મિંયાણા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવા અને પાક વિમો આપવાની ૩૦ ગામના ખેડૂતોની માંગણીઃ કલેકટર કચેરીએ હલ્લાબોલ

મોરબી : માળીયા તાલુકાના ખેડૂતોને નહિવત વરસાદથી પાક નિષ્‍ફળ ગયો હોય અને ગત વર્ષનો પાર્ક વીમો મળ્‍યો ના હોય જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કલેકટર કચેરીએ મોરચો માંડયો હતો.

માળીયા તાલુકાના ૩૦ ગામના સરપંચો અને ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્‍યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્‍યું છે. જેમાં જણાવ્‍યું છે કે ચાલુ વર્ષ માળીયા તાલુકામાં નહિવત વરસાદ થયો છે. ખેડૂતોના ખેતરમાં ઉભો પાક સદંતર નિષ્‍ફળ ગયો છે અને ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ નિષ્‍ફળ ગયા છે. સમગ્ર માળીયા જિલ્લામાં પાણી અને ઘાસચારો તેમજ રોજગારીની સમસ્‍યા ઉદ્‌ભવી છે.

ત્‍યારે આવેદનપત્ર પાઠવીને ખેડૂતોએ માંગ કરી છે જેમાં માળીયા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવા તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત પીવાના પાણી અને પિયત પાણીની વ્‍યવસ્‍થા કરવી, ઘાસ વિતરણ શરૂ કરવું, ગત વર્ષ નિષ્‍ફળ હોય તાલુકાના તમામ ગામોને વીમો ચૂકવવો અને ચાલુ વર્ષે ૧૦૦ ટકા પાક નિષ્‍ફળ હોય જેથી સમગ્ર તાલુકાને પાક નિષ્‍ફળતા બાબતે પાક વીમો ચૂકવવા યોગ્‍ય કરવાની માંગ કરવામાં આવી છે.

(6:26 pm IST)