Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ

ગામે-ગામ પ્રાચીન-અર્વાચીન રાસોત્સવઃ ભાવિકો દ્વારા માતાજીની આરાધના માટે અનુષ્ઠાન

પ્રથમ અને બીજી તસ્વીરમાં જસદણ અને કોઠી ગામમાં રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે. ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં નવરાત્રી પર્વની ઉજવણી થઇ રહી છે. (તસ્વીર : હુસામુદીન કપાસી-જસદણ, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. અને પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે.

ભાવિકો દ્વારા માતાજીની આરાધના માટે અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યા છે.

જસદણ

જસદણ : શહેરના તમામ વિસ્તારમાં ગત રાત્રીથી નવરાત્રીનો પ્રારંભ થતાં ભાવિકજનોમાં આનંદનો દરિયો છલકાયો હતો. શહેરના ભાદર રોડ આદમજી રોડ, ચિતલીયા કુવા રોડ, મણીનગર, લાતી પ્લોટ, વાજસુરપરા, મફતીયાપરા, સ્ટેશન રોડ, આટકોટ રોડ, ગઢીયા રોડ, જેવા અનેક વિસ્તારોમાં મંડળો દ્વારા ગરબીનો પ્રારંભ થયો હતો.

નવરાત્રીના પ્રારંભે પત્રકાર હુસામુદીન કપાસી હિતેશ ગોંસાઇએ મંડળોને નાગરીકોને અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે શહેરના મોતીચોક તથા મેઇન બજારમાં આવેલ પંચ બ્રાહ્મણ સમાજની ગરબી સૌથી જૂની છે.

જસદણ-કોઠી

શ્રી કોઠી કન્યા પ્રા. શાળામાં નવરાત્રીની હોંશભેર ઉજવણી કરવામાં આવેલ જેમાં દરેક બાળાઓએ સ્ટેપ, હુડો, ટીટોડો, હીંચ, દોઢીયો, દાંડીયા-રાસ જેવી સ્પર્ધામાં ભાગ લીધો. તેમાં નિર્ણાયક તરીકે શ્રી રામાનુજ સરોજબેન તથા રાદડીયા હેતલબેન ભૂમિકા ભજવી. તેમાં વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહીત ઇનામ આપેલ. આ ઉજવણીનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

(12:00 pm IST)