Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ભર ઉનાળે પાણીની તંગીઃ મોરબી રવાપર રોડની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલી રવાપર રેસીડેન્સી, રામસેતુ અને ઉમિયાનગર સહિતના વિસ્તારમાં નર્મદા યોજના હેઠળ પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળવાની સાથે સાથે ગંદકીની ભયંકર સમસ્યાના નિરાકરણ માટે આજે મહિલાઓએ સરપંચનો ઘેરાવ કરી નારીશકિતનો પરિચય આપતા અંતે સરપંચએ પ્રશ્ન ઉકેલવા લેખિત ખાતરી આપવી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પોશ એરિયા રવાપર રેસિડેન્સી, રામસુતે અને ઉમિયાનગર સહિતના વિસ્તારમાં ગંદા પાણીના તળાવને કારણે રોગચાળાનો ભય હોવાથી આજે આ વિસ્તારની મહિલાઓએ રવાપર ગ્રામ પંચાયત સામે મોરચો માંડ્યો હતો અને તાકીદે તળાવના ગંદા પાણીના નિકાલ કરવા માંગ કરી ભૂગર્ભ ગટરની સુવિધા આપવા માંગ કરી હતી.

આ ઉપરાંત મહિલાઓ દ્વારા રવાપર વિસ્તારમાં નર્મદા યોજના થકી પૂરતા પ્રમાણમાં પાણી મળતુ ન હોવાથી સત્વેર પાણી પ્રશ્ને ઉકેલ લાવવા માંગણી કરી જ્યાં સુધી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી અહીંથી નહીં ખસવા મક્કમતા દર્શાવતા રવાપરની મહિલા સરપંચ રમાબેન અઘારાને નારી શકિત પાસે ઝુકવુ પડ્યુ હતું અને ૧૪માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તમામ પ્રશ્ન ઉકેલવા લેખિત ખાતરી આપી હતી.

(6:01 pm IST)