Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ટ્રાફિક પોલીસનો માનવીય ચહેરો :ટ્રાફિક નિયંત્રણ અને માત્ર દંડની વસુલાત નહિ ,વાહન ચાલકોને હાલાકીમાંથી ઉગારવા રોડના ખાડાઓ બુરવા પ્રયાસ !!

રવાપર રોડ સ્થિત સ્વાગત ચોંકડીએ ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે દેવજીભાઈ બાવરવાનો અનોખો સેવાયજ્ઞ

મોરબી : ટ્રાફિક પોલીસ. ટાઢ, તડકો કે વરસાદ હોય, એમને ફાળવાયેલા સ્થળ પરથી તેઓ ડગતા નથી. ખાસ બંદોબસ્તની જવાબદારી અલગથી. કોઈ નેતા આવવાના હોય તો બંદોબસ્ત, તહેવારો ટાણે બંદોબસ્ત, ધાર્મિક યાત્રાઓ કે રેલીઓ માટે બંદોબસ્ત, ચૂંટણી ટાણે બંદોબસ્ત, રમખાણો કે કુદરતી વિપદાઓ સમયે ખાસ બંદોબસ્ત, આમ ટ્રાફિક પોલીસકર્મીઓ ટ્રાફિક બંદોબસ્તની જવાબદારીઓ વિવિધ પરિસ્થિતિઓમાં નિષ્ઠપૂર્વક નિભાવતા હોય છે. આમ છતાં લોકોની સહુથી વધુ નારાજગીનો ભોગ પણ ટ્રાફિક પોલીસ જ બનતા હોય છે.

  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિકભંગના નિયમો બદલ કરવામાં આવતા માંડવાળ દંડના ચલાનોમાં માનવીય અભિગમ દાખવીને ગુજરાતમાં દંડની રકમમાં રાહત આપતી જાહેરાત કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો દ્વારા વારંવાર ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ બાબતે તકરાર થતી હોય છે. ત્યારે વાહન ચાલકો ટ્રાફિક પોલીસને આ બાબતે દોષ આપતા જોવા મળે છે. ત્યારે ટ્રાફિક પોલીસની જવાબદારી અને ફરજ દરમ્યાન તેમણે આપેલો ભોગ લોકોની નજરમાં ખાસ આવતો નથી. ત્યારે મોરબીના એક એવા ટ્રાફિક પોલીસકર્મી છે જેમની કામગીરીની નોંધ લેવી ઘટે. રવાપર રોડ સ્થિત સ્વાગત ચોંકડીએ પાછલા 2 વર્ષથી ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે દેવજીભાઈ દામજીભાઈ બાવરવા ફરજ બજાવે છે. આ ચોકડી ટ્રાફિકથી વ્યસ્ત ચોકડી માંહેની એક છે. મોરબીમાં કદાચ આ ચોકડી પર સહુથી વધુ ટ્રાફિક રહે છે અને આથી જ અહીં ટ્રાફિક કંટ્રોલ કરવો સહુથી મુશ્કેલ છે.

વીઆઇપી ગણાતા આ વિસ્તારમાં ચોકડી પર વરસાદની ઋતુમાં ઠેર ઠેર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે તંત્રની મદદ વગર હેડ.કોન્સ. દેવજીભાઈ જાતે મોરમ કે ઝીણી કપચી પાથરી એ ખાડાઓને સમથળ કરે છે. પોતે જે સ્થળે ફરજ બજાવે છે એ સ્થળનો ટ્રાફિક સરળતાથી ચાલે અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે તેઓ યેનકેન પ્રકારે સતત કાર્યરત રહે છે. સામાન્ય લોકોની પોલીસ પ્રત્યેની નકારાત્મક છાપ વિરુદ્ધ કાયમ અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં આ હેડ.કોન્સ. પ્રત્યે લાગણી જોવા મળે છે. સકારાત્મક અભિગમ દ્વારા આ વિસ્તારના સ્થાનિકોમાં દેવજીભાઈ ખાસો આદર ધરાવે છે. હેડ.કોન્સ.ની આવી સરાહનીય કામગીરીની હજુ વ્યાપક નોંધ લેવાઈ નથી એ પણ એક હકીકત છે. જોકે લોકોને મદદરૂપ થવાના એમના આ અભિગમની અનેક સંસ્થાઓ દ્વારા સ્થાનિક સ્તરે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે આવા ફરજનિષ્ઠ કર્મચારીઓની વ્યાપકપણે નોંધ લેવાય તો એ બાબત અન્ય પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.

(9:06 pm IST)