Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા નીરથી છલકાયો

સાધુ-સંતો-જનમેદની વચ્ચે રાજયમંત્રીએ હર્ષભેર કર્યાં વધામણાં: શિણાય-રૂદ્રાણી ડેમ પણ નર્મદા નીરથી ભરવા રાજય સરકારની તૈયારી

ભુજ :કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા મૈયાના નીરથી છલકાતાં ટપ્પર ડેમને વધાવવાં રાજયમંત્રી વાસણભાઈ આહિર સહીત સાધુ-સંતો, વિશાળ જનમેદની પહોચ્યાં હતા
    વિશાળ જળરાશીથી ભરેલાં ટપ્પર ડેમ ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના બાલકૃષ્ણ સ્વામિ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત તાલુકા પંચાયત પ્રમુખો સહિત ગાંધીધામ ચેમ્બર અને અંજાર-ગાંધીધામ નગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકોની હાજરી વચ્ચે રાજયમંત્રી  વાસણભાઈ આહિરના હસ્તે વિધિવત પૂજનવિધિ બાદ પુષ્પો, લાલ ચુંદડી-નાળીયેર નર્મદા મૈયાની જળરાશીમાં અર્પણ કરી વધામણાં કરાયાં ત્યારે વિશાળ જનસમૂદા પણ ટપ્પર ડેમનાં છલકાતાં નર્મદા મૈયાના નીરના દર્શનથી આનંદવિભોર બની ઝૂમી ઉઠ્યો હતો.
    ડેમ સાઇટ ખાતે શમિયાણા ટપ્પર ડેમમાં નવાં નીરનાં વધામણાં સમારોહને સંબોધતાં સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનમંત્રી શ્રી વાસણભાઈ આહિરે આવી પળો કચ્છ માટે ખૂબ ભાગ્યશાળી હોવાનું જણાવતાં ટપ્પર નદી જાણે ગંગા-જમનાજી જેમ વહી રહી છે, તેવો આનંદ-ઉત્સાહનો ભાવ વ્યકત કર્યો હતો. 
    આ તકે રાજયમંત્રી વાસણભાઈ આહિરે મોડકુબા સુધી નર્મદા નીર પહોંચાડવાની રાજય સરકારની નેમ વ્યકત કરી ઉમેર્યું હતું કે, સમગ્ર કચ્છને પીવાનું પાણી પુરૂ પાડતાં કચ્છની જીવાદોરી ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરી દેવાનું સમણું સાકાર થતાં હવે શિણાય ડેમ અને રૂદ્રમાતા ડેમને પણ નર્મદા નીરથી ભરવાની પણ તૈયારીઓ આરંભાઇ હોવાનું જણાવ્યું હતું.
    રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની તાજેતરની ભુજની મૂલાકાતની યાદ તાજી કરતાં તેમણે શિણાય ડેમને લીફટ ઇરીગેશન કરીને નર્મદા નીરથી ભરવાની કામગીરીની સાથે રૂદ્રાણી ડેમના છ કીલોમીટરના બાકી કામો કરવા સાથે પમ્પીંગ કરી નર્મદા નીર ઠાલવવાની રાજય સરકારની તૈયારી છે, તેમ જણાવ્યું હતું.
    આ તકે તેમણે ખેડૂતોને નર્મદાના પીવાના પાણી પહોંચાડવાની પાઇપલાઇન નાખવાની ચાલતી કામગીરી અને શિયાણ તેમજ મોડકુબા માટેની જમીન સંપાદનની કામગીરીમાં સહયોગ આપવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ નર્મદે સર્વદે નારા સાથે આજનો દિવસ ગૌરવ લેવા જેવો સ્વપ્નને હકિકતમાં પલટાવતો ગણાવતાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી અને વડાપ્રધાન તરીકેનાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને આભારી હોવાનું જણાવ્યું હતું. 
    આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા, આયોસીસના સીઇઓ અને એમ.ડી. દીપકભાઈ વોરાએ પણ ઉદ્દબોધનમાં ખુશીની લાગણી વ્યકત કરતાં સમગ્ર કચ્છ માટે આનંદનો દિવસ હોવાનું જણાવી ૨૦૧૭ થી રાહ જોવાતી હતી તે કાર્યમાં સફળતા મળવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી બાલકૃષ્ણ સ્વામી અને સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતા.
    ગાંધીધામ ચેમ્બર દ્વારા રાજયમંત્રીશ્રીનું વિશેષ સન્માન કરાયું હતું તેમજ કોલી સમાજ અને મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા મોમાય મંદિર અને કબ્રસ્તાન માટે ફાળવાયેલ રૂ. પ-પ લાખની ગ્રાંટ બદલ રાજયમંત્રીશ્રીનું સન્માન કરાયું હતું.કાર્યક્રમના પ્રારંભે જીડબલ્યુઆઇએલના સિનિયર મેનેજર સી.બી.ઝાલાએ સ્વાગત પ્રવચન કરતાં ટપ્પર ડેમની ૧૪૦૦ કરોડ લીટરની ક્ષમતા ભૂકંપ પછી વધારીને ૫૦૦૦ કરોડ લીટરની કરાઇ હોવાનું જણાવ્યું હતું, તેમજ શિણાય ડેમ બીજુ લક્ષ્યાંક હોવાનું જણાવતાં આજે જ કુનરિયા પાસે લીંક કેનાલ અને રૂદ્રમાતા ડેમની મૂલાકાત ગોઠવાઇ હોવાનું ઉમેર્યું હતું.
    આ પ્રસંગે અંજાર અને ગાંધીધામ તાલુકા પંચાયતના અધ્યક્ષો સર્વ કાનજીભાઈ ભર્યા અને ગોવિંદભાઈ ડાંગર, કચ્છ ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા, તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા, અંજાર શહેર ભાજપ પ્રમખ સંજય દાવડા,મહામંત્રી લવજીભાઈ સોરઠીયા, પૂર્વ નગરપતિ પુષ્પાબેન ટાંક,નારાણભાઈ ચૈયા સહિતના અગ્રણીઓ ઉપરાંત અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી ડો. વિજયભાઈ જોષી, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પાણી પૂરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર અશોક વનરા, સિંચાઇ  વિભાગના અધિક્ષક ઇજનેર એન.વી.કોટવાલ,એન.આર.ત્રિવેદી, એ.આર.માના, પી.આર.પિત્રોડા, વી.વી.ડામોર,  નર્મદા નિગમના ઉચ્ચ અધિકારી શ્રીનિવાસન, યાંત્રિક વિભાગના ભુજના અશોક લધર, અંજાર-ગાંધીધામના નાકાઇ પી.સી.ખ્યાણી, વી.એન.નેવાણી, પુનમચંદ ધુઆ,જે.એન.પટેલ, ટીડીઓ એ.જી.દેસાઇ, મામલતદાર રાજગોર, કિશોરભાઈ ગુપ્તા,આસપાસના ગામોના સરપંચો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ માતાએ જયારે આભારદર્શન શાસકપક્ષના નેતા ડેનીભાઈ શાહે કર્યું હતું.

(8:54 pm IST)