Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગિરનાર જંગલની મધ્યે ખોડીયાર મંદિરના મહંતશ્રી રામદાસ બાપુ દેવલોક પામ્યા

ભેંસાણ તાલુકાના મેંદપરા નજીક પાટવડ કોઠા ખાતે આવેલ ખોડીયાર મંદિર (બાબા તુલસીવન આશ્રમ) ના મહંતશ્રી રામદાસબાપુ ગુરૂશ્રી હનુમાનદાસ બાપુ (ઉ.વ.૮૦) નું હ્ય્દયરોગના હુમલાથી ઓચિંતા નિધન થયું છે.

બાબા તુલસીવન આશ્રમના મહંતશ્રી રામદાસબાપુ છેલ્લા ર૦ વર્ષથી આ જગ્યાના મહંત તરીકે બિરાજમાન હતા. ગત કાલે બપોરે તેઓ આશ્રમે હતા તે દરમ્યાન અંદાજીત ૩ વાગ્યે હ્ય્દયરોગનો હુમલો જીવલેણ સાબીત થયો હતો. બાપુ દેવ થયાની જાણ સેવકગણમાં થવા લાગતા ચાલુ વરસાદે ટોળે-ટોળા ખોડીયાર મંદિરે ઉમટી પડયા હતા. ત્યાર બાદ બીજા દિવસે સવારે ૧૧ કલાકે બાપુનો અગ્નિસંસ્કાર વિધિ રાખવામાં આવી હતી. જેમાં ભાવનગર, જામનગર, ગિરનાર મંડળ-જુનાગઢ, ભેસાણ, રફાળીયા, અમરેલી સહીતના ગુજરાતભરના સંતો-મહંતો પણ જોડાયા હતા. તુલસીવન આશ્રમના પરમસેવક નરેશદાન ગઢવી, ભેસાણના કોન્ટ્રાકટર અગ્રણી નિલેશભાઇ સાવલીયા, શૈલેષભાઇ મહેતા સહીતના સેવકોએ જણાવ્યું હતું કે પુ. બાપુ ખુબ સહજ અને પ્રેમાળ સ્વભાવના હતા. જયારે જયારે ભાવીકો આશ્રમે જાય ત્યારે તેઓ ખુબ આવકાર આપતા હતા અને તેમના આશ્રમે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો જતા હતા.

મહંત પૂ. રામદાસ બાપુ દેવ થતા તેમની જગ્યાએ મહંત તરીકે તેમના શિષ્ય પૂ. ભગીરથબાપુની ચાદરવિધિ સંતોની ઉપસ્થિતિ વચ્ચે થઇ હતી. તેમજ પૂ. રામદાસબાપુનો ભંડારો આગામી તા.ર૩ ના રોજ રાખવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે પૂ. રામદાસ બાપુનો જન્મદિવસ જ તેમનો અંતિમ દિવસ બન્યો છે.

કેમ કે પૂ. બાપુની જન્મતિથી ભાદરવા સુદ ૯ છે. જયારે તેઓ દેવ પણ ભારદવા સુદ ૯ના દિવસે થયા હતા.

(4:20 pm IST)