Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર યથાવતઃ માણાવદર-રાજુલા-વલ્લભીપુરમાં ૩: ઘોઘા-જુનાગઢ-કેશોદ-માંગરોળ-ધારીમાં ર ઇંચ

સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો-ભારે વરસાદઃ ડેમ, નદી, નાળા, ચેકડેમ તળાવોમાં સતત નવા નીરની આવક

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મેઘમહેર યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે વધુ અડધાથી ૩ ઇંચ વરસાદ પડ્યો છે.

જેમાં માણાવદર અને રાજુલામાં ૩ ઇંચ તથા ઘોઘા, જુનાગઢ, કેશોદ, માંગરોળ, ધારીમા ર ઇંચ વરસાદ પડ્યો છે.

સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે અને ડેમ,નદી,નાળા, ચેકડેમ, તળાવોમાં સતત પાણીની આવક ચાલુ છે.

ભાવનગર

ભાવનગરઃ જીલ્લામાં મેઘરાજા મનમુકી વરસ્યા છે. સમગ્ર પથકમાં સારો વરસાદ પડ્યો છે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જીલ્લામાં અર્ધાથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જીલ્લામાં નોંધાયેલા વરસાદ મુજબ ઉમરાળામાં ૩૭ મીમી, ગારીયાધારમાં ૧૫ મીમી, ઘોઘામાં ૪૯ મીમી, જેસરમાં ૯ મીમી, તળાજામાં ૩ મીમી, પાલીતાણામાં ૧૫ મીમી, ભાવનગરમાં ૩૩ મીમી, મહુવામાં ૨૬ મીમી, વલભીપુરમાં ૬૭ મીમી, સિદોરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. દરમ્યાન આજે બુધવારે સવારે તડકો નીકળ્યો હતો. ગ્રામ્યની પથંકમાં વરાપ નીકળતાં ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી હતી.

જુનાગઢ

જુનાગઢઃ શહેર અને જીલ્લામાં ગઇકાલે અડધા ઇંચથી ૮ ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારથી વધુ ત્રણ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

જામનગર

જામનગરઃ જામજોપુરમાં દોઢ ઇંચ અને જોડિયામા છેલ્લા કલાકમાં હળવા ઝાપટા વરસ્યા હતા આજનું હવામાન ૩૦.૫ મહતમ ૨૬.૮ લઘુતમ, ૯૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

અમરેલી

અમરેલીઃ શહેર અને જીલ્લામા અડધાથી ૩ ઇંચ વરસાદ વરસાદ વરસ્યા બાદ આજે સવારે વડિયામા વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો કાલે રાજુલામાં ૩, જાફરાબાદ અઢી, વડિયા-ધારીમા ૨, બગસરામા ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

ધોરાજી

ધોરાજીઃ રાત્રીના ૧૧ વાગ્યાથી ધોધમાર વરસાદ પડ્યો હતો. જે સવાર સુધીમાં દોઢ ઇંચ પડ્યો હતો.

કોડીનાર

કોડીનારઃ સૂત્રાપાડામાં કાલે ૮ ઇંચ, વેરાવળ-કોડીનારમાં ૪ ઇંચ તથા ગીર ગઢડા અને તાલાલામા અડધો ઇંચ વરસાદ પડયો હતો.

(11:32 am IST)