Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ચોરવાડ તાલુકાના નોટીફીકેશન બાદ મુખ્ય મથક ચોરવાડ માટે હકારાત્મક અભિગમની માંગણી : મુખ્યમંત્રીને રજૂઆત

દ્વારકા-સોમનાથ દરયિાઇ હાઇવેની કડી : સક્ષમ બંદર તથા ઉદ્યોગોની અનેક સંભાવના

જૂનાગઢ તા.૧૧ : એડવોકેટ રોહિતભાઇ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં ચોરવાડ તાલુકાનુ મુખ્ય મથક ચોરવાડમાં રહે તે માટે હકારાત્મક અભિગમ દાખવવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે, જિલ્લા તાલુકાઓના નોટીફીકેશન પ્રસિધ્ધ કરી સહમતી માંગવામાં આવી હતી. તે વખતે લોકોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી અને લોકોએ તે નિર્ણયને હરખભેર આવકારેલ માટે કક્ષાએથી યોગ્ય જાહેરાત કરી ચોરવાડને તાલુકો તથા તેનુ મથક પણ ચોરવાડમાં જ રહે તે બાબતે હકારાત્મક અભિગમ દાખવી નિર્ણય કરવા માંગણી કરી છે.

હાલ માળીયા હાટીના તાલુકાના ૬૮ ગામમાં ચોરવાડ ગામ વસ્તીના આધારે ભૌગોલીક દ્રષ્ટિએ મોટુ ગામ છે. હાલ ચોરવાડ ગામમાં તાલુકા કક્ષાનુ આધુનીક સુવિધા ધરાવતુ સામુહીક આરોગ્ય કેન્દ્ર ચાલુ છે. જેમાં રોજને માટે અંદાજીત ૫૦૦ જેટલા આજુબાજુના ૩૦ જેટલા ગામના લોકો સારવાર મેળવે છે. તેમજ રીલાયન્સ કંપની અને નાણાવટી ગૃપની જિલ્લાકક્ષાની આધુનીક ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. તેમાં પણ નજીકના ગામના ઘણા લોકો તદન રાહતદરે સારવાર મેળવે છે. જેથી ચોરવાડને તાલુકો જાહેર કરી તેનું મથક ચોરવાડમાં રાખવામાં આવે તો આપણી સરકાર દ્વારા ચોરવાડ તાલુકા બાબતે આરોગ્યના ક્ષેત્રમાં કોઇપણ જાતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચોરવાડ ગામને તાલુકો જાહેર કરી તેમનું મથક પણ ચોરવાડ જ બની શકે એ બાબતે આ પણ એક સચોટ પરિબળ છે.

ચોરવાડ ગામમાં હાલ ખાનગી તેમજ સરકારી મળી કુલ ૮ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં અંદાજે આજુબાજુના ગામના ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવે છે અને આવનારા સમયમાં સરકારશ્રીની શિક્ષણક્ષેત્રે વ્યાપ વધારી શકાય એવી પ્રોત્સાહન આપનારી નીતીને પહોચી વળવા માટે ચોરવાડ સક્ષમ રીતે સાથ આપી શકે તેમ છે. માટે ચોરવાડ ગામને તાલુકો જાહેર કરી તેમનુ મથક પણ ચોરવાડ જ બની રહે તે બાબતે આ પણ એચ સચોટ પરિબળ છે.

ચોરવાડ ગામએ દ્વારકા સોમનાથ હાઇવે ઉપર આવેલુ ગામ છે. જેમાં અંદાજે રોજને માટે ૨૦૦૦ કરતા વધુ વાહનો અવર જવર કરે છે. માટે ચોરવાડ ગામ તથા આજુબાજુના ગામના લોકો સરકારી તેમજ ખાનગી વાહનના માધ્યમથી માત્ર એક જ વાહનમાં જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર કે ઓખાથી વણાકબારા સુધી મુસાફરી કરી શકે છે. અને આ માટે ચોરવાડમાં આધુનીક કક્ષાનું એસટી બસ સ્ટેશન ગામની વચ્ચે આવેલુ છે. જેથી આવનારા સમયમાં લોકોની વાહન વ્યવહારની જરૂરીયાતને પહોચી વળવા માટે ચોરવાડ ગામને તાલુકો જાહેર કરી તેમનુ મથક પણ ચોરવાડ જ બની શકે એ બાબતે આ પણ એક સચોટ પરિબળ છે.

ચોરવાડ ગામમાં ત્રણ સરકારી બેંકો આવેલી છે. જેમાં આજુ બાજુના ૧૫ ગામના લોકો સીધી રીતે જોડાયેલા છે. જેથી ભવિષ્યને ધ્યાનમાં રાખી ચોરવાડમાં વધુ બેંકોની જરૂરીયાત ઉભી થશે અને વેપાર ધંધાના વિકાસ માટે જયારે નાણાકીય વ્યવહારો વધશે અને આ બાબતને પણ ધ્યાનમાં રાખી ચોરવાડ ગામને તાલુકો જાહેર કરી તેમનું મથક પણ ચોરવાડ જ બની શકે એ બાબતે પણ એક સચોટ પરિબળ છે.

પોરબંદર સર્કલ હેઠળ કાર્યરત ચોરવાડ ડીવીઝન એ સૌથી મોટુ ડીવીઝન છે. તેમાં અંદાજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૪૫ જેટલા ગામના લોકો સીધી રીતે જોડાયેલા છે. આ તમામ લોકોને રોજબરોજના કામ માટે ચોરવાડ આવવુ જરૂરી છે. ત્યારે આવનારા સમયની વિજ માંગને પહોચી વળવા માટે સરકાર દ્વારા ચોરવાડમાં એક નવુ ૬૬ કેવી સબ સ્ટેશન મંજુર કરવામાં આવેલુ છે. જેનુ ૯૫ ટકા કામપુર્ણ થયેલ છે. માટે આવનારા સમયને ધ્યાનમાં રાખી લોકોની સાનુકુળતા માટે ચોરવાડ ગામને તાલુકો જાહેર કરી તેમનુ મથક ચોરવાડ જ બની શકે તે બાબતે રજૂઆતમાં જણાવેલ છે.

(11:25 am IST)