Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પડધરીમાં તલાટી કમ મંત્રીઓના અણઉકેલ પ્રશ્નો ઉકેલવા આવેદન

પડધરી તા.૧૧ : પડધરીના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને રાજકોટ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના સચિવ એમ.ટી.વાઘેલા, પ્રમુખ એચ.બી.ડાંગર, કન્વીનર એ.એન.પરમાર સહિતનાએ આવેદનપત્ર પાઠવીને તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે તંત્ર દ્વારા સેવાતી દુર્લક્ષતા દૂર કરીને સકારાત્મક નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, સંવર્ગને ઉચ્ચતર પગાર ધોરણમાં ઘણા વર્ષોથી અન્યાય થાય છે અને બઢતીની તકો પણ ઓછી હોવાની રજૂઆતને ધ્યાને લઇ સર્કલ ઇન્સ્પેકટર (પંચાયત)ની જગ્યા વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં અપગ્રેડ કરવાના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પગર - ૧૦૨૦૧૬ - ૬૯૬૫૫૯ - ડ તા. ૨૪-૧૦-૨૦૧૭ ની પ્રસ્તાવના માં જ સરકારે પંચાયત સંવર્ગના તલાટી કમ મંત્રી સંવર્ગના કર્મચારીઓને પગાર ધોરણમાં થતા અન્યાયને દૂર કરવા ઠરાવ કરેલ હોવાનુ સ્વીકારેલ છે. તેમ છતા તેમાં મુકેલી શરત નં.૪,૫ અને ૬ના કારણે કોઇપણ પ્રકારનો નાણાકીય લાભ ત.ક.મંત્રીઓને થતો નથી.

સરકારશ્રી દ્વારા સર્કલ ઇન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી (પંચાયત)માં અપગ્રેડ કરવામાં આવી જેનો અંર્થતંત્ર દ્વારા એવો કરવામાં આવે છે કે, ત.ક.મંત્રીને પ્રથમ બઢતી વિસ્તરણ અધિકારી પંચાયતમાં જ મળે. જે સમજુતી દુઃખદ છે. કારણ કે વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચીટનીશની સીધી ભરતી એક જ સંવર્ગ તરીકે થાય છે અને નાયબ ચીટનીશને ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી પુરક કામગીરી ત.ક.મંત્રી કરે છે. આમ તમામ કામગીરીનો વહીવટ તથા હિસાબી અનુભવ હોઇ ત.ક.મંત્રીને વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચીટનીશની જગ્યાઓએ બઢતી આપવા સ્પષ્ટતા કરવા વારંવાર રજૂઆત કરેલ છે.

સરકારશ્રી દ્વારા હાલમાં ફિકસ પગારથી ભરતી થયેલ કર્મચારીઓની સને ૨૦૦૬ થી સેવા સળંગ ગણવા ઠરાવવામાં આવેલ છે પરંતુ તે અગાઉ સને ૨૦૦૪ માં પણ સરકારશ્રી દ્વારા ફિકસ પગારથી કર્મચારીઓની ભરતી કરેલ છે. જેથી તે કર્મચારીઓ સીનીયર હોવા છતા ૨૦૦૪ થી નિમણુંક પામેલ કર્મચારીઓની પાછળ પ્રવર્તતા યાદીમાં સમાવવામાં આવે છે. જેને કારણે તેઓને અન્યાય થાય છે.

સરકારના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક ૧૦૨૦૧૭ - ૩૩૭૦ - ન તા.૧૨-૯-૨૦૧૭ના ઠરાવ મુજબ મહેસુલી તલાટીને પ્રતિનિયુકતીથી ગ્રામ પંચાયતમાં મુકવા ઠરાવેલ છે. જે અંગે સરકાર સામે મહેસુલી તલાટી કોર્ટમાં ગયા છે અને પંચાયત સેવાની કામગીરી કરવા તૈયાર નથી. તેમ છતા તેઓને પ્રથમ ઉ.પ.ધો.૪૪૦૦ ગ્રેડ પે મળે અને હાલમાં નાયબ મામલતદારમાં બઢતી આપવા પ્રવરતા યાદી તૈયાર કરવાના નિર્ણય સરકાર દ્વારા કરેલ છે અને ત.ક.મંત્રી તથા મહેસુલી તલાટીની કામગીરીમાં કરેલ વહેચણી ૯૦ : ૧૦% છે. જે થયેલ પરિપત્રોથી ફલીત થાય છે. આમ પંચાયત વિભાગના ત.ક.મંત્રી પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાનો પ્રત્યક્ષ પુરાવો છે. જેથી એક જ સંવર્ગમાંથી ઉભી કરેલ જગ્યાની કામગીરીની વહેચણી સમાન ધોરણે ન થાય ત્યાં સુધી ત.ક.મંત્રી દ્વારા મહેસુલ કામગીરી કરવામાં આવશે નહી.

સરકારશ્રીની ફિકત પગાર નીતીથી ભરતી સમયે થયેલ ત.ક.મંત્રીને પ્રથમ પ વર્ષ કોઇ લાભ મળતા નથી. જેઓને નવ વર્ધિત પેન્શન યોજના હેઠળ જીવન નિર્વાહ પણ ન થાય તેટલુ પેન્શન આપવાની નીતી બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા વારંવાર રજૂઆત કરેલ છે.

ઉપરોકત પ્રશ્નોના નિકાસ માટે વારંવાર રજૂઆત કરવા છતા કોઇ નિરાકરણ ન આવતા સમગ્ર ગુજરાત રાજયની વિકાસ યાત્રામાં પાયાના કર્મચારી તરીકે તમામ યોજનાઓ - લાભો છેવાડાના નાગરીકો સુધી પહોચાડવાની ફરજ બજાવતા ત.ક.મંત્રી ભાઇ બહેનો સરકાર દ્વારા સંવર્ગની સતત ઉપેક્ષા થવાના છે. જેથી ઉપરોકત પ્રશ્નો અંગે સત્વરે સકારાત્મક નિરાકરણ લાવવા અંતમાં માંગણી કરી છે.(૪૫.૮)

(11:52 am IST)