Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જામનગર ઝુમાં ૧૦૦૦ મગર મોકલાશે : મદ્રાસ હાઈકોર્ટે નિર્ણયને બહાલી આપી

તામિલનાડુ સરકાર અને CZA દ્વારા MCBTમાંથી ૧૦૦૦ મગર જામનગર ઝુમાં મોકલવાનો નિર્ણય : જાહેરહિતની અરજીને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી

મમલ્લાપુરમ તા.11 : જામનગર ઝૂમાં 1000 મગર મોકલવામાં આવશે. આ અંગે મળતી માહિતી મુજબ, તામિલનાડુના મમલ્લાપુરમ પાસે સ્થિત મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટમાંથી ગુજરાતના જામનગરમાં સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યુ અને રિહાબિલિટેશન સેન્ટર(GZRRC)માં 1000 મગરને ટ્રાન્સફ કરવાના નિર્ણયને મદ્રાસ હાઈકોર્ટે બહારી આપી છે. તામિલનાડુ સરકાર અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટી(CZA) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સાથે જ 1000 મગરને ટ્રાન્સફર કરવાના હુકમને રદ કરવાની માગ સાથે કરાયેલી જાહેરહિતની અરજીને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. મદ્રાસ હાઈકોર્ટનુ અવલોકન છે કે, તામિલનાડુ સરકાર અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના નિર્ણયમાં કંઈ વાંધાજનક છે તે અંગે અરજદાર કોઈ યોગ્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નથી. આ બાબતના નિષ્ણાતો GZRRCમાં રહેલી સુવિધાથી સંતુષ્ટ છે, જેથી, મદ્રાસ હાઈકોર્ટ આ બાબતમાં કોઈપણ પ્રકારની દખલ કરશે નહીં.

મદ્રાસ હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરેલુ છે કે, આ પ્રકારના મુદ્દાઓમાં કોર્ટનો અભિગમ માનવ કેન્દ્રીય નહીં પરંતુ ઈકો-સેન્ટ્રિક હોવો જોઈએ. કોર્ટનો હેતુ મૂળભૂત રીતે માનવ અને માનવ નથી તેવા જીવનુ રક્ષણ કરવાનો છે. આ કેસમાં મગરને ઈકો-સેન્ટ્રિક દૃષ્ટિકોણથી જોવુ જોઈએ. વન્ય પ્રાણીઓ એ રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો વ્યક્તિ અથવા કોઈ સંગઠનની મિલકત નથી. વન્ય પ્રાણીઓ એ રાષ્ટ્રની સંપતિ છે અને કોઈ તેના પર માલિકીનો દાવો કરી શકે નહીં. મદ્રાસ હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે, MCBTએ કોર્ટ સમક્ષ સ્વીકારેલુ છે કે, મગરની કાળજી લેવા માટે તેમની પાસે પુરતુ ભંડોળ નથી. મમલ્લાપુરમ પાસે સ્થિત MCBTમાં મગરની સંખ્યા સતત વધી રહી છે, જેથી GZRRCને આ મગર ટ્રાન્સફર કરાય છે. GZRRCમાં અત્યાધુનિક સુવિધાઓ રહેલી છે. MCBTએ આ સંદર્ભે ફોટોગ્રાફ્સ પણ રજૂ કરેલા છે.

 

(11:45 pm IST)