Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જન્માષ્ટમીને હવે ગણત્રીના કલાકો બાકી છે ત્યારે 'કાના'ને વર્ષાના વધામણા

કલ્યાણપુરમાં ૩II, ખંભાળીયા ૧II, દ્વારકા-ગાંધીધામ ૧ ઇંચ

દવભુમી દ્વારકા જીલ્લામાં મેઘમહેરઃ ભાટીયા, મીઠાપુર, કલ્યાણપુર સહીતના વિસ્તારોમાં ધોધમાર : જામરાવલ પંથકમાં નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી : ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક હેકટરોમાં વાવેલ મગફળી અને કપાસના પાકને નુકશાન

રાજકોટ, તા., ૧૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે. આજે દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘમહેર થઇ છે. દેવભુમી દ્વારકા જીલ્લામાં ઝાપટાથી લઇને ૩II ઇંચ વરસાદ વરસ્યો છે.

ખંભાળીયા

ખંભાળીયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવાયું છે કે આજે સવારના ૧૦ વાગ્યાથી દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘમહેર શરૃ થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં ૩II ઇંચ પડયો છે. જયારે ખંભાળીયામાં દોઢ ઇંચ અને દ્વારકામાં ૧ ઇંચ વરસાદ બપોરના ર વાગ્યા સુધીમાં નોંધાયો છે.

દેવભુમી દ્વારકા જીલ્લાનું વાતાવરણ આજે સવારથી ગોરંભાયેલું છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી ગયો છે. ખંભાળીયા, ભાટીયા, મીઠાપુર, કલ્યાણપુર, દ્વારકા સહીતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જન્માષ્ટમી પર્વને આડે હવે ગણત્રીના કલાકો બાકી છે ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક વિસતારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશાલી છવાઇ ગઇ છે.

ખંભાળીયાના કંડોરણા, હરીપર, ભાડથર, સામોર સહીતના ગામોમાં ફરીથી વરસાદ વરસતા ર.૪૯ લાખ હેકટરમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી અનેક હેકટરોમાં પાકને નુકશાન થવાની દહેશત છે.

અમરેલી જીલ્લાના બગસરા, લીલીયા અને અમરેલી શહેરમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યોછે. જયારે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં પોણો ઇંચ તથા લાલપુરમાં ઝાપટા પડયા છે.

કચ્છના ગાંધીધામમાં ૧ ઇંચ માંડવી અને ભુજમાં ઝાપટા તથા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં પોણો ઇંચ તથા મુળી અને સાયલામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

આ ઉપરાંત ભાવનગર જીલ્લાના મહુવામાં અડધો ઇંચ જેસરમાં ઝાપટા તથા ગીર સોમનાથ જીલ્લાના તાલાળા અને વેરાવળમાં પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(3:40 pm IST)