Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા ડીડીઓની અપીલ

જીલ્લાના સરપંચો સાથે ટેકનોલોજીથી સંબોધન કર્યું

સુરેન્દ્રનગર,તા.૧૧: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તા. ૧૫/૦૮/૨૦૨૦ સુધી 'ગંદકી મુકત ભારત' અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. હુડ્ડાએ ટેકનોલોજીના માધ્યમથી જીલ્લાના તમામ સરપંચશ્રીઓને આ અભિયાનમાં અસરકારક કામગીરી કરવા અને કોવિડ-૧૯નાં સંક્રમણ ફેલાઈ નહી તે માટે સરકારશ્રીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તથા આપણો જિલ્લો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે સંબોધન કર્યુ હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ હતું કે, ગંદકી મુકત ભારત અભિયાનની ઉજવણી પ્રસંગે આપણે સૌ સાથે મળીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપીએ, ઘર – ફળીયા અને જાહેર સ્થળોને સ્વચ્છ અને સુંદર રાખીએ.

વધુમાં તેમણે આ કોરોનાના સમયમાં લોકો જયાં ત્યાં માસ્ક ફેંકે નહીં અને માસ્કનો યોગ્ય નિકાલ થાય તે માટે સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો. તેમજ ગામને સ્વચ્છ રાખવા આ સ્વચ્છતાના દિવસો દરમિયાન દરેક દિવસે સ્વચ્છતાની પહેલ કરવામાં આવે અને કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તેવો પ્રયત્ન કરવા જિલ્લાના તમામ સરપંચશ્રીઓને આહવાન કર્યુ હતું.

(11:48 am IST)