Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ભાવનગરમાં રીમઝીમ બે ઇંચ વરસાદ પડયો

ભાવનગરઃ  ભાવનગરમાં છેલ્લા ૧ર કલાક દરમિયાન રીમઝીમ ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે પડેલા ભારે વરસાદથી ૧૧૦ લોકોનું સ્થળાંતર કરાયુ હતુ. ભારે વરસાદના કારણે નદી-નાળા, તળાવોમાં નવા નીરની આવક થવા પામી હતી.

ભાવનગરમાં શુક્રવારે આખો દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ શનિવારે સવારે વિરામ લીધો હતો.  બપોર બાદ છૂટોછવાયો બે ઇંચ વરસાદ પડયો હતો. શુક્રવારે રાત્રે વલ્લભીપુરમાં ૮ ઇંચથી વધુ વરસાદ પડતા ત્રણ ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી કરી ૧૧૦ લોકોને મોડી રાત્રે સ્થળાંતર કર્યા હતા.

શનિવારે સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગરમાં ૪ મીમી, ઉમરાળામાં ૧૦ મીમી, ગારીયાધારમાં ૩ મીમી, જેસરમાં પ મીમી, તળાજામાં ર મીમી, પાલિતાણામાં ર મીમી વરસાદ નોંધાયો હતો. ગારિયાધારના ચેકડેમો અને તળાવોમાં નવા નીર આવતા જળાશયો છલકાયા હતા. સમગ્ર સીઝનનો ખાતાકીય આંકડા મુજબ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.

તેમજ ઉમરાળામંા કાળુભાર નદીમાં પુરથી ગામના રક્ષણ માટે રાજાશાહીમા બાંધવામા આવેલ ગઢની દિવાલનો પચ્ચીસેક ફૂટ જેટલો ભાગ ગત રાત્રે તૂટી પડયો હતો.

(4:33 pm IST)