Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

કચ્છમાંથી દુષ્કાળ આઉટઃ રથી ૯ ઇંચ

રાપર ૯, ભચાઉ-ગાંધીધામમાં ૭-અંજાર-૪ અબડાસા-નખત્રણા-૩, માંડવી-મુન્દ્રા-રાા: ભુજ -ર ઇંચ : ભુજના હમીરસર તળાવ સહિત ડેમ-નદીઓમાં નવા નીરઃ કચ્છીમાડુઓમાં હરખની હેલી

કચ્છના રાપરમાં ૯ ઈંચ વરસાદ  : ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : તળાવો-ડેમ છલકાયા

ભુજ તા.૧૦ : કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે રાપરમાં મેદ્યરાજા મન મુકીને વરસ્યા છે. આજે સવારથી જ ધોધમાર અઢી ઇંચ જેટલા ભારે વરસાદથી બજારમાં પાણી વહી નીકળ્યા હતા, અને શહેર ની મુખ્ય બજાર મા ધુંટણ સમા પાણી વહી નીકળ્યા હતા આ લખાય છે ત્યારે છેલ્લે ગઈકાલે બપોરના બાર વાગ્યા થી અત્યાર સુધીમાં કુલ નવ ઈંચ વરસાદ પડ્યો છે. સતત બે દિવસ થયા વરસતા વરસાદથી રાપર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાપર મા છેલ્લા ચોવીસ કલાક મા ૯ ઈંચ વરસાદ પડતાં આંઢવાળુ તળાવ, નગાસર તળાવ, ખાંડોળુ ડેમ, નીલપર ડેમ સહિતઆજુબાજુના ગામ સુવઈ, રામવાવ, બાલાસર,ઙ્ગ ફતેગઢ, આડેસર, સહિત ના અનેક ગામોમાં આઠ ઈંચ થી વધુ વરસાદ પડતાં ડેમો અને તળાવ ઓગની ગયા હતા. (૬.૩૮)

-ભૂજ, તા.૧૦: સતત ત્રીજું વરસ દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આ વખતે મેદ્યરાજાએ સતત કસોટી કરીને લોકોના જીવ અદ્ઘર રાખ્યા હતા. ગત જૂન મહિનામાં વાયુ વાવાઝોડા દરમ્યાન કચ્છમાં વરસાદ પડશે એવી આગાહી થઈ હતી. પણ, વરસાદ પડ્યો નહોતો. ગયા મહિને જુલાઈમાં વધુ એક વખત કચ્છમાં વરસાદની આગાહી થઈ હતી. જે અંશતઃ સાચી પડી પણ આગાહી કરતા ઓછો એવો છુટો છવાયો સામાન્ય વરસાદ થયો હતો. જેના પરિણામે અછત ચાલુ રાખવી કે દૂર કરવી તે વિશે પણ મૂંઝવણ શરૂ થઈ હતી. જોકે, અંતે આ વખતે વરસાદની કરાયેલ આગાહી સાથે જ મેઘરાજા કચ્છમાં ધોધમાર વરસ્યા છે અને ર થી ૯ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

ગઈકાલે શુક્રવારે સવારે પૂર્વ કચ્છથી શરૂ થયેલી મેઘસવારી ધીરે ધીરે આગળ વધીને સાંજે કાંઠાળ વિસ્તાર થઈને મોડી રાત્રે કચ્છના રણ કાંધીના સરહદી ગામો સુધી પહોંચી હતી. એકંદરે થોડો ધોધમાર તો થોડા શાંત વરસાદ સાથે કચ્છમાં મેદ્યરાજા મન મુકીને વરસ્યા છે. શુક્રવાર સવારથી આજ શનિવાર સવાર સુધીના ૨૪ કલાકમાં કચ્છના દસે દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લા કલેકટર કચેરીના આંકડા પ્રમાણે સૌથી વધુ વરસાદ ગાંધીધામ- ૧૮૦મીમી, ભચાઉ- ૧૭૩ મીમી,રાપર- ૧૫૯ મીમી અંજાર- ૯૬ મીમી,અબડાસા- ૮૭ મીમી, નખત્રાણા ૭૧ મીમી, માંડવી- ૬૫ મીમી, મુન્દ્રા- ૬૦ મીમી,ભુજ ૫૩ મીમી લખપત- ૫૦ મીમી. (૨૫ મીમી વરસાદ = ૧ ઇંચ). ધમાકેદાર વરસાદને પગલે કચ્છના નદી, નાળા અને ડેમમાં નવા નીર આવ્યા છે. તો, ભુજના સૂકા ભઠ એવા હમીરસર તળાવમાં પણ નવા નીર આવ્યા છે. મેઘરાજાના વ્હાલને કારણે લોકોમાં હરખની હેલી છે.

(4:31 pm IST)