Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મચ્છુ ડેમ-૨ ઓવરફ્લો થયો છે : મોરબી-ટંકારામાં ૧૧ ઇંચ

આજે મચ્છુ હોનારતને ૪૦ વર્ષ પૂર્ણ થશે : અમરેલીમાં ધોધમાર વરસાદ : ગાગડીયા નદીમાં ધોડાપૂર ગોંડલ શહેર-તાલુકામાં આઠ ઈંચ : વાંકાનેરમાં સાત ઈંચ

અમદાવાદ, તા.૧૦ : સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં મોરબી-ટંકારામાં સૌેથી વધુ ૧૧ ઇંચ, માળિયામીયાણાંમાં આઠ ઇંચ, અમરેલીમાં ૫ ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં આઠ ઇંચ, જામનગરના કાલાવડમાં આઠ ઇઁચ, રાજકોટના લોધિકા, પડઘરી સહિતના પથકોમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજકોટ સહિતના મેઘમહેરવાળા પંથકોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, દ્વારકા સહિતના પંથકોમાં પણ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. બીજીબાજુ, આવતીકાલે એટલે કે તા.૧૧ ઓગસ્ટે મચ્છુ હોનારતને ૪૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છેજ, લોકોને મચ્છુ ડેમ તૂટવાની વર્ષો જૂની યાદો તાજી થઇ આવે તે સ્વાભાવિક છે.

            બીજીબાજુ,  મચ્છુ-૨ ડેમની સપાટી ૩૦ ફૂટે પહોંચી છે અને તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ચારેબાજુ અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલીમાં ૧૧૫ મી.મી, વડીયામાં ૧૧૩ મી.મી, ખાંભામાં ૧૪ મી.મી, જાફરાબાદમાં ૮ મી.મી, ધારીમાં ૩૦ મી.મી, બગસરામાં ૫૦ મી.મી, બાબરામાં ૧૨૪ મી.મી, રાજુલામાં ૭ મી.મી, લાઠીમાં ૧૧૮ મી.મી, લીલીમાં ૨૧ મી.મી, સાવરકુંડલામાં ૩૦ મી.મી વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ છલકાય ગયા છે. લાઠીના ગાગડીયા નદીમાં ધોડાપૂરના દ્રશ્યો સર્જાયા હતા. ગાગડીયા નદી પર આવેલા બેઠલા પુલ પર પાણી ફરી વળ્યું હતું. જેથી આસપાસના લોકો આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યાં હતાં. ગોંડલ તાલુકામાં ગઈકાલે સાંજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

         ગોંડલ શહેર તેમજ પંથકમાં ધમાકેદાર વરસતા આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરના જળાશયો ઓવરફ્લો થવા લાગ્યા હતા, ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતી ગોંડલી નદી બે કાંઠે વહેવા લાગતા શહેરીજનો બહોળી સંખ્યામાં પૂર જોવા ઉમટી પડ્યા હતા તંત્ર દ્વારા શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગોંડલના વેકરી,પાટીદળ સહિતના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગોંડલ તાલુકાના આંબરડી ગામ નજીક આવેલી ફોફળ નદી ગાંડીતુર બની છે અને બેકાંઠે વહી રહી છે.

           ગોંડલ તાલુકાના પાટીયાળી, હડમતાળા, મોટી મેંગણી અને થોરડી આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે હડમતાળાથી રાજકોટ જતો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ધોધમાર વરસાદના કારણે ગોંડલ તાલુકાના મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. વાંકાનેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સાત ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. પાણીની સતત આવકથી મચ્છુ ૧ ડેમની સપાટી ૪૭ ફુટ પર પહોંચી ગઈ છે અને હજુ ૪૦૦૦૦થી વધુ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ૩ વાગ્યા સુધીમા સપાટી ૪૯ ફુટ એટલે કે ઓવરફલો થવાની સંભાવના છે.

           જ્યારે મચ્છુ-૨ ડેમમાં ૩૦ ફૂટ પાણી પહોંચી ગયું છે. જેથી મચ્છુ-૨ ડેમના દરવાજા ૧૨-૩૦ એ ખોલવામાં આવ્યા હતા. લાઠી પંથકમાં મોડી રાતથી ભારે વરસાદ નોંધાયો હતો. ગીર ગઢડા મા ભારે વરસાદના કારણે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને આ નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે. રાજકોટમાં ભારે વરસાદથી કોટડાસાંગાણીના મેંગણી ગામ પાસેનો મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા પંદર દરવાજા  ખોલવામાં આવ્યા હતા.

(9:02 pm IST)