Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રાજ્યના તમામ તાલુકાની કોર્ટ બિલ્ડીંગ નવી બને એવું સરકારનું આયોજન : વિજયભાઇ રૂપાણી

રાજકોટમાં ઘંટેશ્વર પાસે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નવી જિલ્લા કોર્ટ બનશે, ગાંધીનગરમાં પણ નવી કોર્ટ બનાવવા વિચારણા : મંદિરમાં જે શ્રધ્ધાથી લોકો જાય છે, એટલી જ શ્રધ્ધાથી કોર્ટમાં ન્યાય માટે આવે છે, તેમને ઝડપી ન્યાય મળે એ જરૂરીઃ પડતર કેસોના નિકાલ માટે ન્યાયિક અધિકારી, કાયદા અધિકારી અને વકીલોના સંકલિત પ્રયાસો જરૂરી : મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર.સુભાષ રેડ્ડી * ગોંડલ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર.સુભાષ રેડ્ડીએ રૂ. ૪૦ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન કોર્ટ બિલ્ડીંગનું કરેલું લોકાર્પણ

તસ્વીરમાં ગોંડલમાં નવા કોર્ટ સંકુલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું ત્યારની તસ્વીરી ઝલક. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે લોકોને ઝડપી ન્યાય મળી રહે એ માટે કોર્ટને આધુનિક બનાવવા માટે રાજય સરકાર કટિબદ્ઘ છે અને રાજયના તમામ તાલુકાની કોર્ટની ઇમારત નવી બને એવું આયોજન રાજય સરકારનું છે. એના જ ભાગરૂપે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર પાસે લઇ જઇ ત્યાં રૂ.૧૦૦ કરોડના ખર્ચથી નવું કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ ઉપરાંત, ગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે.

ગોંડલમાં રૂ. ૪૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું કે, લોકો જે શ્રદ્ઘાથી મંદિરમાં ઇશ્વરમાં જાય છે, એટલી જ પવિત્ર શ્રદ્ઘાથી લોકો ન્યાય મંદિરમાં આવે છે. ત્યારે, તેમને ઝડપી ન્યાય, સરળતાથી અને યોગ્ય ન્યાય મળે એ જરૂરી છે. કારણ કે, વિલંબથી મળતો ન્યાય, ન્યાય ન મળવા સમાન છે, એમ અંગ્રેજી કહેવતને ટાંકતા તેમણે કહ્યું હતું.

કાયદાના રાજ અને સુશાસન માટે કોર્ટની મહત્તા આલેખતા શ્રી રૂપાણીએ જણાવ્યું કે, લોકોને જો ઝડપથી ન્યાય મળે તો તેને સારી વ્યવસ્થા અને સુશાસનનો અહેસાસ થશે અને ત્યારે જ ન્યાયનું રાજય સ્થાપિતથયું હોય એવું લોકોને લાગશે.

તેમણે એમ પણ જણાવ્યું કે રૂલ ઓફ લો માટે લોકોને ન્યાય સાથે કાયદા મુજબ કડક સજા થાય એ જરૂરી છે. આ માટે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વકીલોના સંકલિત પ્રયાસોની જરૂર છે.

મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રેડીના પ્રયાસોથી કોર્ટ્સમાંથી પડતર કેસોના નિકાલ માટે હાથ ધરવામાં આવેલી ઝૂંબેશની પ્રશંસા કરી હતી અને કોર્ટને જરૂરી સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.

હાઇકોર્ટના મુખ્યન્યાય મૂર્તિ શ્રી આર. સુભાષ રેડ્ડીએ કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજયો કરતા કોર્ટમાં ભૌતિક સુવિધાઓ ઘણી સારી છે. કેટલીક તાલુકા કોર્ટની ઇમારતો તો હાઇકોર્ટ જેવી છે. કોર્ટમાં ભૌતિક સુવિધા આપવા માટે રાજય સરકાર હંમેશા તત્પર રહે છે.

પડતર કેસોના નિકાસ માટે કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો આપતા શ્રી રેડ્ડીએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી પડતર હોય એવા ૬૦૦૦ હજાર જેટલા કેસો છે. જેમાંથી મોટા ભાગના નશાબંધીના, જમીન સંપાદનના, વાહન અકસ્માત બાકીના ફોજદારી કેસો છે. હવે જયારે, કોર્ટમાં પૂરતી ભૌતિક સુવિધા મળે છે અને તે ઝડપી ન્યાય પ્રક્રીયાને મદદરૂપ થાય છે. ત્યારે, લોકોને ઝડપી ન્યાય મળે એ જરૂરી છે.

ઝડપી ન્યાય પ્રક્રિયા પર ભાર મૂકતા શ્રી રેડીએ એમ પણ જણાવ્યું કે ન્યાયિક અધિકારીઓ, કાયદા અધિકારીઓ, વકીલોના સંકલિત પ્રયાસોથી જ લોકોને ઝડપી ન્યાય મળી શકે છે, ખાસ કરીએ નશાબંધીના કેસોના નિકાલ માટે વહીવટી તંત્ર સાથે સંકલનની જરૂર છે.

મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ગોંડલમાં સારા કોર્ટ બિલ્ડિંગના નિર્માણ બદલ પ્રસન્નતા વ્યકત કરી હતી અને ગોંડલમાં રાજવીકાળની ન્યાય વ્યવસ્થા, કન્યા કેળવણી, વહીવટી સુશાસનની પ્રશંસા કરી હતી.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલ ખાતે રૂ. ૪૦ કરોડના ખર્ચે નિર્મિત અધ્યતન કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રી શ્રી અને તેમની સાથે ઉપસ્થિત કાયદામંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ કોર્ટ બિલ્ડીંગ તકતીનું અનાવરણ અને રીબીન કાપી લોકાર્પણ કર્યા બાદ નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગના વિવિધ વિભાગોની મુલાકત લીધી હતી.

આ પ્રસંગે તેમની સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી, ગુજરત હાઈકોર્ટના જજ પરેશભાઈ ઉપાધ્યાય તેમજ રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સુશ્રી ગીતા ગોપી, અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રીજે. એન. વ્યાસ તેમજ ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી જે. બી. કાલરીયા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે રાજયના કાયદામંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાને ત્વરિત અને સચોટ ન્યાય મળી રહે તે માટે રાજયનું ન્યાય તંત્ર સવેદનશીલતા સાથે કટિબદ્ઘ છે અને કાયદા વિભાગને વધારે મજબૂત કરવા માટે રાજય સરકારે ચાલુ વર્ષે રૂ. ૧૮૦૦ કરોડની રકમની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આજે ગુજરાતના મોટાભાગના તાલુકામાં ન્યાયતંત્રનો પોતાનો સુવિધા સભર કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કાયદામંત્રીશ્રી એ વધુમા જણાવ્યું હતું કે રાજય સરકાર ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર છે અને લોકોને તેમનો ન્યાય સમય મર્યાદામાં મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. અગાઉ ગુજરાતની કોર્ટમાં કુલ ૨૨ લાખ જેટલા કેસ પેન્ડીંગ હતાં તેને ખુબજ ટૂંકા ગાળામાં સચોટ કામગીરી કરી ૧૫ લાખ સુધી પહોચાડ્યા હોવાનું ગૌરવ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત પેન્ડીંગ કેસનો ઝડપી ઉકેલ લાવવા માટે દરેક કોર્ટમાં એ.પી.પી. ની નિમણુંક કરવા માટે રાજય સરકારે નક્કર આયોજન કરેલું છે. જેને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

આ તકે મંત્રીશ્રીએ ગોંડલ સ્ટેટ દ્વારા લોકો માટે અનેકવિધ લોકવિકાસના કરેલા કાર્યોને આ તકે યાદ કર્યા હતાં. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજય સરકાર જે અધ્યતન સુવિધા સભર આધુનિક કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરે છે. તેમની માવજત કરવાની આપની જવાબદારી છે.

આ તકે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પરેશભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.

મહાનુભાવોના હસ્તે જમીન વળતરના કેસો તથા અકસ્માતના કેસોમાં વળતરના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોને ગોંડલના પરંપરાગત આંટીયાળા સાફા બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યકમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ ગીતા ગોપીએ તેમજ આભારવિધિ ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ જે. બી. કાલરીયાએ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રેંજ આઈ.જી. સંદીપસીંગ, યાર્ડના પ્રમુખ જેન્તીભાઈ ઢોલ, અગ્રણી ભરતભાઈ બોઘરા, શ્રી ડી. કે. સખીયા, ભાનુભાઈ મેતા, શ્રી મગનભાઈ ઘોણીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી બાવનજીભાઈ મેતલિયા, શ્રી ચેતન રામાણી, ગોંડલ સ્ટેટના કુમાર શ્રી ઉપેન્દ્રસિંહજી, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અનીલ દેસાઈ, શ્રી એ.પી. ઠાકર રજીસ્ટ્રાર તેમજ વિવિધ બાર એસોસિએશનના હોદેદારો, એડવોકેટસશ્રીઓ, જિલ્લા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

રાજકોટ જીલ્લાના યુનિક જજ અને હાઇકોર્ટ જજ પરેશભાઇ ઉપાધ્યાયએ ગોંડલના ગુંદાળા ગ્રાઉન્ડ પાસે ૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ  આ નવા કોર્ટ બીલ્ડીંગની માહિતી આપી હતી.

રાજકોટ જીલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી ગીતાબેન ગોપી, ગોંડલના એડી.ડીસ્ટ્રીકટ જજ જે.એન. વ્યાસ તેમજ ગોંડલ બાર એસો.ના પ્રમુખ જે.બી.કાલરીયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત રાજકોટ જીલ્લાના સીનીયર જુનિયર વકીલોને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયુ હતું.

રૂ. ૪૦ કરોડના ખર્ચે ગોંડલમાં આ અદ્યતન ન્યાયાલય બનાવવામાં આવેલ છે જુનુ બિલ્ડીંગ જર્જરીત થઇ જતા તેની જગ્યાએ આ નવુ બિલ્ડીંગ તૈયાર થઇ જતાં આજે લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

કુલ ત્રણ માળના આ બિલ્ડીંગમાં ૧પ કોર્ટોનો સમાવેશ કરાયો છે. જેમાં બે સેસન્સ કોર્ટ બે સીનીયર કોર્ટ ત્રણ ફોજદારી કોર્ટ સહિત કુલ ૧પ કોર્ટોનો સમાવેશ કરાયો છે

આ નવનિર્માણ થયેલ કોર્ટ બિલ્ડીંગમાં ખાસ પોકસો કોર્ટનો પણ સમાવેશ કરાયો છ.ે આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જીલ્લા અને ગોંડલ કોર્ટ તેમજ ગોંડલ બાર એસો.દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

જુના કોર્ટ બિલ્ડીંગમાં કૈદીઓને આવવા-લઇ જવામાં ભારે તકલીફ પડતી હતી. તે હવે દુર થશે. આ બિલ્ડીંગમાં અનેક સુવિધાઓ જેવી કે, વકીલો માટે બાર.એસો.નો રૂમ સરકારી વકીલોની કચેરી, ટોઇલેટ,પાર્કીગ સહિતની સુવિધાનો પુરો ખ્યાલ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આમંંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ બાર.એસો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ, ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણી, મંત્રી દિલીપભાઇ જોષી અશ્વિન ભાઇ ગૌસાઇ, અજય પીપળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૮)

અરજદારને ચેક આપવા મુખ્યમંત્રીશ્રી તથા મુખ્ય ન્યાયધીશ  મંચ નીચે ઉતર્યાઃ જમીન વળતરના કેસમાં વૃદ્ઘ લાભાર્થી પ્રત્યે બંને મહાનુભાવોએ સંવેદના દાખવી

ગોંડલ તાલુકાના કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની માનવીય સંવેદના જોવા મળી હતી. જમીન સંપાદનના એક કેસમાં આર્થિક વળતરનો ચેક સ્વીકારવા માટે ઉપસ્થિત રહેલા એક વૃદ્ઘને નીચે જઇ હાથોહાથ ચેક અર્પણ કર્યો હતો. તેમની સામે હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ શ્રી આર. સુભાષ રેડ્ડી પણ જોડાયા હતા.

જેતપુર તાલુકાની એક સિંચાઇ યોજનાના હેતું માટે સંપાદિત થયેલી જમીનના વળતરના એક જૂના કેસનો ચૂકાદો આવી ગયા બાદ અરજદાર માધવજીભાઇ વિઠ્ઠલભાઇ ભરાડને રૂ. ૧,૧૨,૩૧,૫૨૬નો ચૂકવવાપાત્ર થતો હતો. જે તેઓ સ્વીકારવા માટે ગોંડલ આવ્યા હતા. તેઓ પોતાની વૃદ્ઘાવસ્થાને કારણે સ્ટેજ ઉપર ચઢી શકે એમ નહોતા. એ સ્થિતિને પારખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મુખ્ય ન્યાયધીશશ્રી રેડ્ડી તુરંત નીચે દોડી આવ્યા હતા. આ બન્ને મહાનુભાવોએ વયવંદના કરી માધવજીભાઇને ચેક હાથોહાથ અર્પણ કર્યો હતો. આ દ્રષ્ય જોઇ ઉપસ્થિતિઓએ મહાનુભાવોની આ લાગણીને તાળીઓથી વધાવી લીધી હતી. (૨૧.૨૮)

(4:23 pm IST)