Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નરેન્દ્રભાઇ મોદીને ભુજની મહિલાઓ દ્વારા 'રક્ષા કવચ'

ભુજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છ સાથે હમેંશા ગાઢ સબંધ રહ્યો છે. આ સબંધ નો સીલસીલો ફરી એકવાર વધુ ગાઢ બન્યો છે,અને તેનું નિમિત્ત બન્યું છે 'રક્ષાબંધન' નું પવિત્ર પર્વ. આમ તો 'રક્ષાબંધન'નું પર્વ આગામી તારીખ ૨૬ ઓગસ્ટના છે. પણ, આ પર્વની આગોતરી ઉજવણી ભુજની મહિલાઓ માટે અને વડાપ્રધાન બન્ને માટે યાદગાર બની રહી. સહેજ માંડીને વાત કરીએ તો ભુજની મહિલા નગરસેવિકાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાંડે આજેઙ્ગ 'રાખડી' બાંધીને રક્ષાબંધન ના પર્વની આગોતરી ઉજવણી કરી હતી. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની આગેવાની હેઠળ ભુજ નગરપાલિકાના ૧૧ નગરસેવિકા બહેનો દિલ્હી પહોંચ્યા હતા,અને PMO હાઉસના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના પ્રથમ નાગરિક લતાબેન સોલંકી સહિત ૧૧ નગરસેવિકા બહેનોએ અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને કચ્છી પાઘ, કચ્છી શાલ પહેરાવીને કચ્છીમાડુઓ વતી તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ રક્ષાબંધનના પર્વની ધાર્મિક પરંપરા અનુસાર કુમકુમ તિલક સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈને કાંડે 'રક્ષાકવચ' સ્વરૂપે રાખડી બાંધી હતી. આ ભાવવિભોર ક્ષણો દરમ્યાન સૌ બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને ૨૦૧૯ માં વિજયી બનવાની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ હળવા મિજાજ માં હતા અને તેમણે કચ્છને યાદ કરી કચ્છ સાથેના સંભારણા વાગોળ્યા હતા. સવાસો કરોડ દેશવાસીઓનું નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાઈ બન્યા અને તેમનાઙ્ગ કાંડે 'રક્ષાકવચ' બાંધવાનો અનુભવ આ નગરસેવિકા બહેનો માટે પણ યાદગાર બની રહ્યો હતો. (તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(11:44 am IST)