Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ખોડવદરી ગામે ગટરના પાણીના નિકાલ પ્રશ્ને બીજા દિવસે પણ બાળકો શિક્ષણથી અળગા

ગારીયાધાર તા. ૧૧: ખોડવદરી ગામે છેલ્લા પ વર્ષથી તળાવના પાણીમાં ગારીયાધાર અન્ડર ગ્રાઉન્ડ ગટરના નિકાલ થતા પાણી ભળી જવાના કારણે સમગ્ર ગામતળના પાણી દુષિત બન્યા છે. જયારે પીવાના પાણી માટે જીલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા એકપણ જુથનું પાણી સપ્લાય આપવામાં ન આવતી હોવાથી ગામતળના દુષિત પાણીનો ના છુટકે વપરાશ કરવો પડે છે સુખી પરિવારો દ્વારા વેચાતું પાણી લાવવામાં આવે છે.

આ સમગ્ર પ્રશ્ને ખોડવદરી ગામમાં ચામડીના રોગો જેવી અનેક પ્રકારની જીવલેણ બિમારીઓનો ભોગ ગ્રામજનો બનતા સમગ્ર ગ્રામજનો અને સરપંચ સહિત પંચાયત દ્વારા ગઇકાલે પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઇ હતી. જે પગલે તાલુકા વિકાસ અધિકારી કરશનભાઇ અને તાલુકા શિક્ષણાધિકારી અજય જોષી દ્વારા શાળા અને તળાવના ભરેલા દુષિત પાણી નિહાળી વેળાવદર પીએચડી સેન્ટરની ટીમ પાસે સમગ્ર ગ્રામતળના પાણીના સેમ્પલો લેવાયા હતા.

પરંતુ લાંબા સમયથી પ્રશ્ન હોવાથી સમગ્ર ગ્રામજનોના નિર્ણય પ્રમાણે આ પ્રશ્નનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી સમગ્ર ગામના બાળકો શાળાએ અભ્યાસ માટે નહિં આવે તેમ બન્ને અધિકારીઓને સ્પટપણે જણાવાયું હતું. હાલ આ તમામ મામલે સમગ્રમ ગ્રામજનો માટે પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે તંત્ર દ્વારા કાર્યવાહી ન થાય ત્યાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે.

જયારે બીજી બાજુ શાળાના બાળકોનો અભ્યાસ છેલ્લા બે દિવસથી બંધ થયો છે અને આગામી કેટલા દિવસ સુધી આવું ચાલશે તે જોવું રહ્યું.

(11:42 am IST)