Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગીર મધ્યે મીની કેદારનાથ સમાન પાતળેશ્વર મંદિરે જવા શ્રાવણ માસમાં વિનામુલ્યે પરમીટ

શિવભકતો આખો મહિનો પુજા અર્ચના કરી શકશે

ઉના તા.૧૧: ગીર મધ્યમાં મીની કેદારનાથ સમાન અને વર્ષમાં બે વખત ખુલતુ પાતળેશ્વર મંદિરે જવા માટે વનવિભાગ દ્વારા વિનામુલ્યે પ્રવેશ પરમીટ અપાશે. આખો શ્રાવણ માસ ભકતજનો પુજા-અર્ચના કરી શકશે.

ઉનાથી રપ કિ.મી. દુર અને ગીર બાબરીયાથી મધ્ય ગીર જંગલમાં બાબરીયાથી ૭ કિ.મી. દુર પહાડોની વચ્ચે સ્વયંભુ પ્રગટ થયેલ પાતળેશ્વર મહાદેવનું મંદિર સોૈરાષ્ટ્રનું મીની કેદારનાથ સમુ છે. આ મંદિર વર્ષમાં બે વાર મહાશિવરાત્રીના ૭ દિવસ અને શ્રાવણ માસના ૩૦ દિવસ ભકતોને જવા માટે ખુલ્લુ મુકાય છે. તેથી આગામી શ્રાવણ માસ તા. ૧૨ ને રવિવારથી શરૂ થતો હોય ગીર બાબરીયા રેન્જ વન વિભાગ દ્વારા સવારે ૭ થી સાંજે ૬ સુધી વિનામુલ્યે પરમીટ કાઢી અપાશે.

આ પાતળેશ્વર મહાદેવના મંદિરે સમગ્ર સોૈરાષ્ટ્ર, મહારાષ્ટ્ર દિવ પ્રદેશ, રાજય ભરમાંથી ભાવિકો ઉમટી પડશે અને ભગવાનને જળાભિષેક રૂદ્રાભિષેક લઘુરૂદ્ર તથા પુજા પાઠ કરી ધન્ય બનશે.

તેમ બાબરીયા ગામમાં આવેલ પાતળેશ્વર મહાદેવ આશ્રમના મહંત શ્રી ઓમકારેશ્વર બાપુ પ્રથમ દિવસ પુજા આરતી કરી ભકતો માટે ખુલ્લુ મુકશે તેમજ શ્રાવણ માસનાં તમામ દિવસોમાં યાત્રાળુઓ માટે બે ટાઇમ ચા-પાણી તથા દર સોમવારે પ્રસાદની વ્યવસ્થા પણ નિશુલ્ક કરેલ છે. આખો માસ શિવમય બની જશે.(૧.૪)

(9:46 am IST)