Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કચ્છમાં કોરોના બન્યો બેકાબૂ આજે બે મોત અને વધુ ૧૦ કેસો- સાંધીપુરમ, ગાંધીધામ, વરસામેડીમાં કોરોના કેસ સતત વધતાં ચિંતા

ભુજ: કચ્છમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. આજે કોરાનાએ વધુ બે જણના ભોગ લીધા છે. નલિયા પાસે આવેલા દદામાપર ગામના ૮૫ વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ભાનુશાલીનું મોત થયું હતું.,ગઈકાલે ભુજની કોવિડ  હોસ્પિટલમાં દાખલ થયેલા ગાંધીધામના ૬૦ વર્ષીય કમલ ભગવત પ્રસાદનું કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં મોત થયું હતું. તેમનો રિપોર્ટ આજે મોડેથી આવ્યો હતો. મૃતક ભગવત પ્રસાદના પુત્રી સુમનબેન શર્મા ગાંધીધામના કાઉન્સિલર છે. આજે બે મોત થતાં મોતનો આંકડો ૧૧ થયો છે. મુંબઈમાં રહેતા લક્ષ્મીબેન ભાનુશાલી પરિવાર સાથે કોરોનાથી બચવા કચ્છ આવ્યા તો અહીં વતનમાં કોરોના તેમને ભરખી ગયો. કચ્છમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે ૧૦ કેસને પગલે કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપભેર ૨૪૨ ઉપર પહોંચી ગયો છે. કોરોનાના નવા કેસો સાંધીપુરમમાં ૩, ગાંધીધામમાં ૩, વરસામેડી (અંજાર)માં ૨ દર્દીઓ નોંધાયા છે. તો લખપતના ઘડુલી અને મુન્દ્રામાં એક-એક દર્દી નોંધાયા છે. સાંધીપુરમ, વરસામેડી અને ગાંધીધામમાં સતત કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. કચ્છમાં અત્યાર સુધીની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે, કુલ  કેસ ૨૪૨ થયા, ૧૫૧ દર્દીઓને રજા અપાઈ જ્યારે  મોતનો આંકડો ૧૦ થયો છે.

ગાંધીધામ, અંજારના વરસામેડી અને અબડાસાના સાંધીપુરમમાં કેસો વધી રહ્યા છે, તે કોરોનાના નવા હોટસ્પોટ ન બને તે માટે જાગૃતિની જરૂરત છે, મુન્દ્રામાં પણ ફરી કેસ નીકળતા ચિંતા છવાઈ છે.

(9:14 pm IST)