Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોનાના કેસ વધતા જૂનાગઢમાં હવે સોશ્યલ ડીસ્ટનસ ભંગ બદલ મનપા દ્વારા દુકાન સીલીંગની કાર્યવાહી

શનિ-રવિની રજાના દિવસોમાં જાહેર સ્થળો ખાતે ફરવા જઇ શકાશે નહિ

જુનાગઢ, તા. ૧૧ : કોરોનાના કેસ વધતા જુનાગઢમાં હવે મહાનગર પાલિકા તંત્રએ કેટલાક કડક પગલા લેવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે દુકાનો સીલીંગની કાર્યવાહીની ચેતવણી આપી છે.

મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આજે સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, જુનાગઢમાં છેલ્લા ૧પ દિવસમાં કોરોનાના કેસમાં ૯૬ કેસનો વધારો થયો છે આથી કોરાનાના કેસને વધતા અટકાવવા માટે શહેરમાં જે લોકો અને વેપારીઓ સોશ્યલ ડીસ્ટન્સ નહિ જાળવે તો તેની સામે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

જેમાં દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે. તેમજ લોકોએ માસ્ક પહેર્યું નહિ હોય તો તેની સામે પોલીસની મદદથી દંડ ફટકારવામાં આવશે.  કમિશનર શ્રી સુમેરાએ વધુમાં જણાવેલ કે, જાહેર સ્થળોએ સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું ન હોય આથી ભવનાથ, વિલીગ્ડન ડેમ સહિતના જાહેર સ્થળો ખાતે શનિ-રવિ સહિતની રજાના દિવસોમાં ફરવા જવા પર રોક લગાવવામાં આવી છે અને કડક પગલા લેવામાં આવશે.  આમ જે લોકો બજારમાં ખરીદી કરવા નીકળતા હોય અને વેપારી પણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ નહિ જાળવે તો તેની સામે આજથી મનપાએ લાલ આંખ કરી છે

(2:31 pm IST)