Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરેન્દ્રનગરમાં શાળાઓમાં પ્રથમ સત્રની ફી માફ કરવા ડીઈઓ કચેરી પર સૂત્રોચ્ચાર

એનએસયુઆઈ અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો તાળાબંધી કરે તે પહેલાં અટકાયત કરી

વઢવાણ,તા.૧૧ : હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને સરકાર દ્વારા લોકડાઉન બાદ અનલોક-૧ અને અનલોક-૨ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શરતોને આધીન ધંધો અને રોજગારની છુટછાટ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી રાજયભરમાં શાળા અને કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું નથી અને હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી પ્રથમ સત્રની ફી માંગવામાં આવી રહી છે જેના વિરોધમાં એનએસયુઆઈ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બહુમાળી ભવન ખાતે આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતાં.

ખાનગી શાળા અને કોલેજો દ્વારા વાલીઓ પાસેથી પ્રથમ સત્રની ફી માંગવામાં આવી રહી છે. જેના વિરોધમાં જિલ્લા એનએસયુઆઈ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રથમ સત્રની ફી માફી કરવાની માંગ સાથે બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી  કરે તે પહેલા જ પોલીસે ચાર થી પાંચ એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી જોરાવરનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતાં. આ તકે એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ ધ્રૃવરાજસિંહ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા, સાહીર સોલંકી, દિપકભાઈ, કૃષ્ણરાજસિંહ, વિજયરાજસિંહ, ઈમરાનખાન, પાર્થરાજસિંહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:19 pm IST)