Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દ્વારકામાં પાણી ભરાવાની સમસ્યા ૪૮ કલાકમાં દૂર ન થાય તો હાઇકોર્ટમાં રીટની ચિમકી

દ્વારકા : તસ્વીરમાં રજુઆત કરતા નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી-દ્વારકા)

દ્વારકા, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ગામે શહેરના પ્રમુખ પ્રવેશદ્વારોને સાંકળતા રસ્તાઓ અને મહત્વના વિસ્તારોમાં ત્રણ દિવસથી વરસાદી પાણીના ભરાવા તેમજ વિજળી ગુલ થવા જેવી બાબતોને સાંકળતા મુદાઓ સાથે દ્વારકા નગરપાલિકા વિરૂદ્ધ દ્વારકાના એડવોકેટ સુનિલ અનંતરાય જોષી દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને સી.આર.પી.સી. કલમ ૧૩૩ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ સુનિલ એ. જોષી દ્વારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફીસર સહિતનાઓ સામે દ્વારકા પ્રાંત અધિકારીને કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત તા.૪થી ૮ જુલાઇ, ર૦ર૦ દરમ્યાન દ્વારકામાં ભારે વરસાદને લીધે ઇસ્કોન ગેઇટ, રારી ગેઇટ, ભદ્રકાલી ચોક, કરીર આશ્રમ, મોડર્ન રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં આવેલા ઘરો તેમજ દુકાનોમાં દોઢથી બે ફુટ પાણી ભરાયા બાદ હાલની કોરોના મહામારીના સમયે પાણીનો નિકાલ ન થવાથી ડેન્ગ્યુ સહિત પાણીજન્ય રોગો થવાનો ભય હોય તેમજ પાણી ભરાવાના લીધે ઇલેકટ્રીસીટી સપ્લાય બધ થઇ હોવાથી સ્થાનિકોની પ્રાથમિક જરૂરીયાતો પૈકીની એક એવી વિજળી વિના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ અંગે જવાબદાર તંત્ર તરીકે દ્વારકા નગરપાલિકા, પી.જી.વી.સી.એલ. કચેરી, સ્થાનિક પ્રશાસન તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગોતરા મુશ્કેલી નિવારણના આયોજનો કરવાના હોવા છતા આ મામલે સમયસર યોગ્ય કાર્યવાહીના અભાવે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય જાહેર હિત હતુ સી.આર.પી.સી.ની કલમ ૧૩૩ મુજબ દ્વારકાના જાગૃક નાગરિક દરજ્જે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફીસર તેમજ તપાસમાં ખુલતા અન્ય તમામ સરકારી વિભાગો કે અમલદારો, કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી સ્થાનિકોની સમસ્યાના સત્વરે નિવારણાર્થે યોગ્ય કરવા પ્રાંત અધિકારીને ફરીયાદ કરી પરીણામલક્ષી હુકમ ફરમાવવા રજુઆત કરાઇ છે. આ સાથે ફરીયાદી સાથેની ટેલીફોનિક વાતમાં જણાવ્યા મુજબ અડતાલીસ કલાકમાં તંત્ર દ્વારા સંતોષકારક કાર્યવાહી ન થયે આ મામલે હાઇકોર્ટમાં રીટ કરવાની પણ તૈયારી હોવાનું જણાવ્યું હતું.

(11:40 am IST)