Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કચ્છમાં કોરોનાનો ભરડો : વધુ ૫ કેસ : કોરોનાના કેસ વધતા હવે ઘરે જ સારવાર આપવાનો પ્રયોગ

દોઢસો જણા કવોરેન્ટાઇન : ધ્રાંગધ્રાથી આવેલ ગાંધીધામના રેલવે ગાર્ડ : મુન્દ્રામાં મેડીકલ સ્ટોરના સંચાલકને કોરોના થતાં લોકોમાં ફફડાટ : વેલ્સપન કંપનીના વધુ એક કામદારને થયેલા કોરોનાએ સર્જી ચિંતા

ભુજ તા. ૧૧ : સતત ૧૮ મા દિવસે પણ કેસો નોંધાતા કચ્છ હવે કોરોનાના ભરડામાં બરાબર આવી ગયું છે. દરરોજ કેસ વધતા જાય છે. તો, લોકલ સંપર્કના કેસોનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો હોઈ લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. ગઈકાલે ગાંધીધામમાં એક સાથે ૩ કેસ સાથે કુલ ૫ કોરોનાના કેસ નોંધાયા છે.

જેમાં ગાંધીધામના ૩ કેસમાં રેલવે કોલોની, જૂની સુંદરપુરી અને ગળપાદરમાં એમ ત્રણ જણને કોરોના વળગ્યો છે. જયારે અન્ય બે કેસમાં મુન્દ્રામાં વર્ધમાનનગર અને રાપરમાં ખત્રી વાસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. આજે તમામ દર્દીઓ પુરુષો છે. જેમાં ગાંધીધામમાં રેલવે ગાર્ડને કોરોના થયો છે, તેઓ નોકરીના ભાગ રૂપે ધ્રાંગધ્રા ગયા હતા.

કચ્છમાં વધતા જતાં કોરોનાના કેસોને પગલે ૪૦ વર્ષીય રેલવે ગાર્ડ લોકેશકુમાર સિંઘને ઘરે જ સારવાર આપવાનો પ્રયોગ હાથ ધરાયો છે. આરોગ્યતંત્ર સાથે રેલવેના તબીબો દ્વારા તેમનું મોનીટરીંગ કરી સારવાર અપાશે. તેમના સંપર્કમાં આવનાર ૨૪ જણાને કવોરેન્ટાઈન કરાયા છે. મુન્દ્રાના મેડિકલ સ્ટોરના સંચાલક નિકુંજ ઠક્કરને કોરોના થતાં તેમની પાસેથી દવા લેનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પાંચ દિવસથી બીમાર નિકુંજ ઠક્કરના સંપર્કમાં આવનાર ૯૧ જણાને કવોરેન્ટાઈન કરાયા છે.

જયારે ગાંધીધામમાં જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતા અને વેલ્સપન કંપનીમાં નોકરી કરતા રવિ ધુઆને કોરોના આવતાં વેલ્સપન કંપનીના કામદારોમાં વધુ એક કેસને પગલે ગભરાટ ફેલાયો છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જેમાં ગાંધીધામના ગળપાદરના પ્રતીક ઠકકર અમદાવાદથી અને રાપરના સુરેશ પ્રભુ દરજી મુંબઈથી આવ્યા છે. જયારે અન્ય ૩ જણા સ્થાનિકે સંક્રમિત થયા છે. દરમ્યાન કચ્છમાં આજે વધુ ૧૧ જણાએ કોરોનાએ હરાવતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધીને ૧૪૯ જેટલી નોંધપાત્ર થઈ છે.

કુલ દર્દીઓ ૨૩૨, સાજા થયેલા ૧૪૯, હોસ્પિટલમાં સારવાર હેઠળ ૭૪ દર્દીઓ અને ૯ મૃત્યુ પામ્યા છે.

(10:52 am IST)