Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફે મહિલા દર્દીને કોરોના વોર્ડમાં પુરી દીધા : વીડિયો વાયરલ

૪ દિવસ પહેલાની ઘટનામાં કૂતરૂ અંદર હોવા છતાં મહિલા દર્દીના વોર્ડને બહારથી તાળું મારીને સ્ટાફ જતો રહ્યોઃ મહિલા દર્દીના પતિ ટિફિન દેવા આવતા આખો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો

મોરબી,તા.૧૧ : વાંકાનેરની સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં ચાર દિવસ પહેલાની એ ગંભીર દ્યટનાનો આજે વીડિયો વાયરલ થયો છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોરોનાના વોર્ડમાં મહિલા દર્દી એકલા હોય અને સાથે આ વોર્ડમાં કૂતરાના આંટાફેરા હોવા છતાં સિવિલનો સ્ટાફ આ વોર્ડને બહારથી તાળું મારીને જતો રહ્યો હતો. બાદમાં મહિલા દર્દીના પતિ ટિફિન દેવા આવતા આ આખો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વાંકાનેરમાં અમરનાથ સોસાયટીમાં રહેતાં પિતા-પુત્રને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓની તબીયત સારી થતાં તેઓને રજા આપવામાં આવેલ ત્યારબાદ તેમના માતા અને પત્નીને પણ કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતાં હરપાલસિંહના માતા રાજકોટ હોસ્પિટલ ખાતે સારવારમાં હતાં. તે દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. તેમજ હરપાલસિંહના પત્નીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રાખવામાં આવ્યા હતા.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં રહેલ મહિલા દર્દી એક જ હોય સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં તેઓએ આજે એક વીડિયો વાઇરલ કરી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કરેલ છે. જેમાં વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કોરોના વોર્ડમાં મહિલા દર્દી એકલા જ છે અને બહારથી જાળીને તાળું મારી નર્સિંગ સ્ટાફ ગાયબ થઈ ગયો છે. ઉપરાંત, વોર્ડમાં મહિલાની સાથે કૂતરું પણ વોર્ડની અંદર જ દેખાઈ રહ્યું છે. જે હોસ્પિટલ તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેવી ગંભીર બેદરકારી જણાઈ રહી છે.

આ ઉપરાંત, મહિલાને આક્ષેપ કર્યો છે કે તેઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવ્યાના બીજા દિવસે બોર્ડમાં એક જ મહિલા દર્દી હોવા છતાં બે પુરૂષોને નાઈટ ડ્યુટી સોંપવામાં આવેલ હતી. ખરેખર તો મહિલા દર્દી માટે કોઈ એક મહિલા સ્ટાફની નિમણૂંક કરવી જરૂરી હતી. આ વાંકાનેરના કોરોના પોઝિટિવ મહિલા દર્દી આજે સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓએ દ્યરે આવી પોતાની સિવિલ હોસ્પિટલ ખાતેની આપવીતી વર્ણવી હતી અને સ્ટાફના આવા બેજવાબદારીભર્યા વલણથી આક્રોશ વ્યકત કર્યો હતો.

જયારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોકટર સાથે આ બાબતે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે જયારે મહિલા દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા ત્યારે વરસાદી વાતાવરણ હોવાથી સ્ટાફને આવવામાં થોડું મોડું થયું હતું. અને પ્રથમ દિવસ બાદ મહિલાને કયારેય કોઈપણ જાતની તકલીફ પડવા નથી દીધી. અને એક ડોકટર ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક તેમના માટે સતત હાજર રહ્યા હતા.

જોકે એક બાબત એ પણ છે કે વાંકાનેર સિવિલ હોસ્પિટલ એકદમ આધુનિક બનાવવામાં આવી છે પરંતુ વાંકાનેર હોસ્પિટલમાં હર હંમેશ માટે નર્સિંગ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. વાંકાનેરના રાજકારણી, સામાજીક આગેવાનો કે તંત્રને નર્સિંગ સ્ટાફ વધારવા માટે કોઈ જાતની ઈચ્છાશકિત કયારેય દર્શાવી હોય એવું ધ્યાનમાં નથી આવતું. અવારનવાર મીડિયાકર્મીઓએ હોસ્પિટલ સ્ટાફ વધારવા માટે પોતાના અહેવાલો પ્રકાશિત કર્યા છે પરંતુ તંત્રએ કયારે સ્ટાફ વધારવા માટે તસ્દી લીધી નથી. જેના પરિણામે દર્દીઓને આવી અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:37 am IST)