Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પોરબંદરમાં ૬ દિવસના જન્માષ્ટમી લોકમેળાના દિવસ ટુંકાવવા પુર્નવિચાર કરવા લોક માંગણી

નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન : હજુ કલેકટરનો નિર્ણય બાકી?: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં : લોકોને પૂરતુ પાણી વિતરણ નહીં

પોરબંદર, તા. ૧૧ : નગરપાલિકાની એકઝીકયુટીવ કમીટી દ્વારા જન્માષ્ટમીનો ૬ દિવસનો લોકમેળો ઓગષ્ટની તા. ર૩ થી તા. ર૮ સુધી યોજવાનું જાહેર કર્યું છે. આ પહેલા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી ન હોય તેમજ શહેરમાં પાણી પ્રશ્ન વિકટ બનતો હોય આરટીઆઇ એકટીવીસ્ટોએ કલેકટરને અરજીઓ કરીને જન્માષ્ટમી મેળો ૩ કે ૪ દિવસનો યોજવા માંગણી કરી છે. મેળા અંગે પાલિકાના નિર્ણય બાદ હજુ કલેકટરનો નિર્ણય બાકી છે.

આરટીઆઇ એકટીવીસ્ટ નટુભાઇ કારાવદરા તથા દિલીપભાઇ મશરૂ બન્નેએ અલગ અરજી કલેકટરને કરીને લોકમેળો ૩-૪ દિવસનો યોજવા જાહેર હિતની અરજી કરી છે. વરસાદ ખેંચાતા જિલ્લામાં દુષ્કાળના આગમનની સ્થિતિ અંગે અરજીમાં જણાવ્યું છે. કલેકટરના માર્ગદર્શન હેઠળ પાલિકા દ્વારા લોકમેળાનું આયોજનમાં જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ ધ્યાને લઇને મેળાના દિવસ ટુંકાવવા કલેકટર લોકોના વાંધા સુચનો ધ્યાનમાં લઇને પુર્નવિચાર કરે તેવું લોકો ઇચ્છી રહેલ છે.

(1:16 pm IST)