Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મુંબઇથી કચ્છ આવતા વિમાનના પ્રવાસીઓ માંડ બચ્યા : ઈમરજન્સી લેન્ડિંગ

પોરબંદરથી આવેલા ટેકિનકલ ખામી વાળું વિમાને કંડલા માટે ઉડ્ડયન કર્યા પછી તરત જ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું? પ્રવાસીઓથી ભરેલું ખામી વાળું વિમાન ઉડાડયું શા માટે?

ભુજ, તા. ૧૧  એક બાજુ દેશ વિદેશમાં વિમાની અકસ્માતના બનાવો વધી રહ્યા છે. બીજી બાજુ વિમાની કંપનીઓ બેદરકારી પૂર્વક વિમાની પ્રવાસીઓના જીવને જોખમમાં નાખી રહી છે. મંગળવાર તા/૯/૭ ના મુંબઈ થી કંડલા આવી રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટના ઉડ્ડયન સંદર્ભે પૂર્વ રાજય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદ છેડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને ફરિયાદ કરીને સ્પાઇસ જેટ એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે તપાસ કરી પગલાં ભરવાની માંગ કરી છે. ફ્લાઈટમાં કંડલા જવા માટે મુંબઈ એરપોર્ટ ઉપર બપોરે ૧૨ વાગયે આવી ગયેલા પ્રવાસીઓને ફ્લાઈટમાં ટેકિનકલ ખામી છે, અને હજી પોરબંદરથી આવી નથી, એવું કહીને સાંજે ૪/૩૦ વાગ્યા સુધી બેસાડી રખાયા હતા. પછી પાંચ વાગ્યે ટેકિનકલ ખામી વાળી ફ્લાઈટ પ્રવાસીઓ સાથે કંડલા જવા રવાના થઈ હતી. પણ, અડધો કલાક આકાશમાં ઉડ્ડયન કર્યા બાદ ફ્લાઈટની અંદર જાહેરાત કરાઈ હતી કે, વિમાનમાં ટેકિનકલ ખામી છે,એટલે ફરી મુંબઈ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરશે. આમ, ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ ઉપર પાછી ફરી હતી, અહીં સુધી તો બધાએ મુશ્કેલી સહન કરી, પણ, મુખ્ય મુદ્દો એ છે કે,ટેકિનકલ ખામી હોય તો પ્રવાસીઓ સાથે વિમાન ઉડયું કેમ?, જો કોઈ પણ અકસ્માત સર્જાયો હોત તો? પ્રવાસીઓના જીવની સુરક્ષા સામે જોખમ સજર્યા બાદ માનવતા વિહોણું વર્તન કરીને સ્પાઇસ જેટ મેનેજમેન્ટ દ્વારા મુંબઈ એરપોર્ટ ઉપર પ્રવાસીઓ માટે કોઈ સગવડ કરવામાં ન આવી. એટલુંજ નહીં, સ્પાઇસ જેટ મેનેજમેન્ટ દ્વારા સાવ હાથ અદ્ઘર કરી દેવાયા. બધા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ ઉપર અટવાઈ ગયા. આવા સંજોગોમાં સ્પાઇસ જેટ જેવી વિમાની કંપની વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ સમક્ષ પૂર્વ મંત્રી તારાચંદ છેડાએ કરી છે. ખાનગી વિમાની કંપનીઓના બેદરકારી ભર્યા વલણ સામે દેશભરના વિમાની પ્રવાસીઓની ફરિયાદો વધી રહી છે,ત્યારે હવે કેન્દ્ર સરકારે દરેક એરપોર્ટ ઉપર પ્રવાસીઓ માટે એક કંમ્પ્લેઇન રિસ્પોન્સ સેન્ટર જેવી સિસ્ટમ ઉભી કરવાની જરૂરત છે.

(11:32 am IST)