Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભારે વરસાદના વર્તારાના પગલે સૌરાષ્ટ્રમાં NDRF ખડેપગે

રાજકોટ-અમરેલીમાં જવાનો પહોંચી ગયાઃ આધુનિક સાધન સામગ્રી સાથે વરસાદ-પુરમાં બચાવની પૂર્વ તૈયારી

રાજકોટ, તા. ૧૧ :. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકારે પૂર્વ સાવચેતીના પગલા ભર્યા છે. બચાવ કાર્યમાં માહિર ગણાતી નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સની ટુકડીઓ ગુજરાતમાં બોલાવી લેવામાં આવી છે. જેમાથી એક ટુકડી અમરેલી અને એક રાજકોટમાં તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફની સાથે સ્થાનિક બચાવ ટુકડીઓ પણ રહેશે.

સૌરાષ્ટ્રમાં આવતા દિવસોમાં ભારે વરસાદ ખાબકવાના વર્તારાના પગલે બચાવ-રાહતની તમામ તૈયારી રાખવામાં આવી છે. સંભવિત પૂર અને વાવાઝોડામાં ફસાતા લોકોના બચાવ માટે એનડીઆરએફ ખડેપગે છે.

એક ટીમમાં ૧૫ જવાનો હોય છે. આવી બે ટીમ હાલ સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવી છે. જરૂર પડે તો વધુ ટુકડીઓ મોકલવાની તૈયારી રાખવામાં આવી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના માધ્યમથી આધુનિક સાધન-સામગ્રી સાથે એનડીઆરએફના જવાનો કામગીરી માટે સજ્જ છે. જે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ-રાહતની રાબેતા મુજબની પૂર્વ તૈયારી પણ રાખવામાં આવી છે.(૨-૧૦)

(12:10 pm IST)