Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જુનાગઢ ગીર સોમનાથ જીલ્લામા પાણી વિતરણની ફરિયાદનો તાત્કાલીક ઉકેલ લાવોઃ કુંવરજીભાઇ બાવળીયા

જુનાગઢ, તા.૧૧: પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજે જૂનાગઢની મુલાકાત લીધી હતી .જૂનાગઢ સર્કિટહાઉસ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમાજના આગેવાનોએ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતુ.

 મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પાણી પુરવઠા બોર્ડના જિલ્લાના ઉચ્ચ અને તાલુકાના અધિકારીઓ સાથે બેઠક કરી હાલની પાણી વિતરણ વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી. મિટિંગમાં પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર શ્રી એમ.એન.પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના ૫૧૮ ગામમાંથી ૪૫૮ ગામમાં જૂથ યોજના હેઠળ પાણીનું વિતરણ કરવામાં આવે છે. ૩૭૧ ગામોને વાસ્મો યોજના હેઠળ આવરી લેવાયા છે. જુનાગઢ શહેર શહેર સહિત જિલ્લાના મુખ્ય આઠ શહેરોને પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી પુરૂ પાડવામાં આવે છે. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં એક પણ ગામમાં પાણીની સમસ્યા ઉભી થાય તો ત્યાંથી આવેલી ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવા જણાવ્યું હતું. રીપેરીંગ અને સર્વિસ અંગેની કામગીરી પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી. આ અંગે મુખ્ય ઈજનેર શ્રી એન.એમ.પટેલે જણાવ્યું હતું કે ગામના સરપંચ કે અગ્રણી ટોલ ફ્રી નંબર  ૧૯૧૬ પર પણ પાણી અંગેની ફરિયાદ નોંધાવી શકે છે . આ નંબર પર ફરિયાદ આવતા જ તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે .બેઠક પૂર્વે  જિલ્લા કલેકટર ડો.  સૌરભ પારધીએ મંત્રી શ્રી નું સ્વાગત કર્યું હતું.

આજે મંત્રી ની સાથે મુલાકાત વેળાએ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઇ કરગઠીયા, મનોજભાઈ ગોહેલઘ, દીપકભાઈ ડોબરીયા , શ્રી નીતિનભાઈ ફળદુ ,અનુભાઈ વાળા, વેલજીભાઇ પાથર તેમજ અધિકારીઓ અધિક્ષક ઇજનેરશ્રી એ .એમ મલિક, કાર્યપાલક ઇજનેર શ્રી ડી.એન સિંધલ, કાર્યપાલક ઇજનેર (વાસ્મો )શ્રી વી .વી કારીયા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:31 am IST)