Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા

ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે : અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની તંત્રની આગાહી

અમદાવાદ,તા.૧૧ : ચક્રવાતી વાવાઝોડા વાયુની અસર હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવવાની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ થશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાનની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં અનેક ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ચાર ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ પવન સાથે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર સંપૂર્ણપણે સાબદુ થઇ ગયું છે. અરેબિયન દરિયામાં સક્રિય વાવાઝોડુ વાયુ હવે ૧૩ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે જે વધુ તીવ્ર બનીને ગુજરાત તરફ આવશે. મુંબઈથી ૪૪૦ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં અને ગોવાથી ૩૪૦ કિલોમીટર પશ્ચિમમાં હાલમાં તે સ્થિત છે. વેરાવળથી ૫૭૦ કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાને પાર કરશે. પવનની ગતિ ૧૩મી જૂનના સવારમાં ૧૩૫ કિલોમીટર સુધીની હોઈ શકે છે. બીજી બાજુ હવામાનમાં આંશિક રાહત થઇ છે. વાદળછાયુ વાતાવરણ પણ અમદાવાદમાં રહ્યું છે જેથી પારો અમદાવાદમાં ૪૩ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૪૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન અકબંધ રહેશે.

 

(8:40 pm IST)