Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પોરબંદર જિલ્લાના કામદારો અને આંગણવાડી બહેનોના એરીયર્સ સહિતના પ્રશ્ને ધરણા યોજાયાઃ આવેદનપત્ર

પોરબંદર, તા. ૧૧ :. પોરબંદર જિલ્લાના કામદારો અને આંગણવાડીના બહેનોના એરીયર્સ સહિત પ્રશ્ને ભારતીય મઝદુર સંઘ દ્વારા ધરણા યોજાયા હતા. પડતર પ્રશ્ને મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલી આપ્યુ હતું.

ભારતીય મઝદુર સંઘ-રાજકોટ અને જૂનાગઢ વિભાગની સંયુકત બેઠક મળેલી જેમાં વિવિધ ઉદ્યોગોના ૧૨ જિલ્લાના મુખ્ય હોદેદારો ઉપસ્થિત રહેલ કર્મચારીઓના પ્રશ્નો ઘણા સમયથી પડતર છે જેની ગહનચર્ચા કરવામાં આવેલ. સદર પડતર પ્રશ્નોની વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી જેથી કર્મચારીઓમાં રોષ તથા અસંતોષ જોવા મળેલ છે. સદર પડતર પ્રશ્નોને વાચા આપવા તથા રાજ્ય સરકારના જે તે વિભાગને જાગૃત કરવાનો એક માત્ર ઉદ્દેશ છે. દા.ત. આંગણવાડી બહેનો માટે કેન્દ્ર સરકારે ઓકટોબર ૨૦૧૮થી રૂ. ૧૫૦૦નો જાહેર કરેલ પગાર વધારાનો ઠરાવ પણ આવી ગયો. ત્યાર બાદ રાજ્ય સરકારે રૂ. ૯૦૦નો વધારો કર્યો જેથી આંગણવાડી બહેનો ખુશ થયા પરંતુ આઈ.સી.ડી.એમ. વિભાગ, ગાંધીનગર દ્વારા અર્થઘટન ખોટુ કર્યુ જેથી અસંતોષ પેદા થયો આવી જ રીતે બોર્ડ/નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો પરંતુ ૧૯ માસના એરીયર્સનું ચુકવણુ આજ દિન સુધી કરવામાં આવેલ નથી.

આંગણવાડીના કાર્યકર/હેલ્પરને કેન્દ્ર સરકારે ઓકટોબર ૧૮ થી રૂ. ૧૫૦૦ લેખે માસિક જાહેર કરેલ પગાર વધારો એરીયર્સ સાથે સત્વરે ચુકવી આપવો. ગુજરાત રાજ્યના મેરીટાઈમ બોર્ડ સહિત તમામ બોર્ડ/નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનું ૧૯ માસના એરીયર્સનું તાત્કાલિક ચુકવણું. રાજ્ય લઘુતમ વેતન બોર્ડની પુનઃરચના નગરપાલિકાના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ તથા સિમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડની અમલવારી કરવી વગેરે પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.

(2:13 pm IST)