Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વાવાઝોડુ-વરસાદના સામના માટે તંત્ર સજજ

ખંભાળીયા તા. ૧૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૧ર-૧૩ જુનના સંભવિત વરસાદ તથા વાવાઝોડાના સંભવિત ખતરા સામે જિલ્લા તંત્ર સાબદુ થયું છે.

જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને તથા તલાટી મંત્રીઓને સુચનાઓ આપવામાં આવી છે તથા વાવાઝોડા તથા ભારે પવન તથા વરસાદના સમયે ઉંચાણવાળા વિસ્તારોમાં લોકો પહોંચી શકે તેવા શેલ્ટર સ્થાનો તથા શાળા મહાશાળા, કોલેજોના બિલ્ડીંગો તથા અન્ય જાહેર મકાનોની વ્યવસ્થા રાખવામાં આવી છે.

લોકોને સલામત સ્થળે ગોઠવવા ઉપરાંત ત્યાં લાઇટ, જાજરૂ તથા પાણીની વ્યવસ્થા થાય તે માટે પણ તંત્રએ જોગવાઇ કરી છે.

જિલ્લા અધિક મેજીસ્ટ્રેટશ્રી એ. બી. પટેલની આગેવાની હેઠળ બધી વ્યવસ્થા કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે નાયબ કલેકટરશ્રી દર્શક વિઠલાણી દ્વારા આગોતરી વ્યવસ્થા ગોઠવાઇ છે. તથા આજે મીટીંગ પણ જવાબદાર અધિકારીઓની તંત્ર દ્વારા યોજાઇ છે તથા સામાન્ય રીતે ૧૦-૬ પછી માછીમારો સામાન્ય રીતે જતા નથી છતાં જે ગયેલા છે તેઓ તમામ આજે પરત  આવી ગયા છે તથા બંદરો પર પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ છે.

(2:08 pm IST)