Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભુજમાં બંદૂકના ભડાકા કરનાર આરોપી ઝડપાયો- સામેના જૂથના ૪ સામે ફરિયાદ

મુસ્લિમોના બે અલગ અલગ જૂથ વચ્ચે વર્ચસ્વના ચાલતા ઘર્ષણને પગલે ધડબડાટી

ભુજ, તા.૧૧:  ભુજમાં લાંબા સમયથી મુસ્લિમોના બે જૂથ વચ્ચે વર્ચસ્વ માટેનું ઘર્ષણ શહેરમાં ધડબડાટી સર્જી રહ્યું છે. રવિવારે બનેલા ફાયરિંગના બનાવમાં પશ્યિમ કચ્છ એલસીબીએ બંદૂકના ભડાકા કરનારા લડડુ ઉર્ફે ઇસ્માઇલ તારમામદ ચાકીને આદિપુરથી ઝડપી લીધો છે.

દરમ્યાન આરોપી ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુએ સામે જૂથના ૪ શખ્સો વિરુદ્ઘ પોલીસ ફરિયાદ લખાવી છે. લડ્ડુએ સામે જૂથના ઇસ્માઇલ જુમા હિંગોરજા ઉર્ફે ગંગુ ઉપર ફાયરિંગ કર્યું હતું. લડ્ડુએ ૬ રાઉન્ડ ફાયર કર્યા હતા જે પૈકી ત્રણેક ગોળીથી ગંગુ ઉર્ફે ઇસ્માઇલ હિંગોરજાને ઈજાઓ થઈ હતી. ફરિયાદમાં ઇસ્માઇલ દ્વારા લડડુએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો.

પણ, હવે લડ્ડુએ પોલીસને પ્રતિ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તે લગ્ન પ્રસંગે ભુજ આવ્યો હતો ત્યારે ઇસ્માઇલ જુમા ઉર્ફે ગંગુ સહિત મુજાહિદ અલીમામદ હિંગોરજા, સામીત ઇશાક હિંગોરજા, ઇબ્રાહિમ હિંગોરજા અને અન્ય એક અજાણ્યા શખ્સે તેને રોકીને તેના ઉપર હુમલો કર્યો હતો. તે નાસવા માંડતા તેના ઉપર પથ્થરમારો કર્યો હતો.

 આમ, ભુજ બી ડિવિઝન પોલીસમાં લડડુ સહિત અન્ય ૭ શખ્સો વિરુદ્ઘ જયારે ગંગુ સહિત અન્ય ૪ શખ્સો વિરુદ્ઘઙ્ગ સામસામે ફરિયાદો નોંધાઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભુજમાં પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી અને સામે મુંજાહિદ હિંગોરજા એમ બંનેના જૂથ વચ્ચે બળાબળના વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, જેમાં છેલ્લા ૬ મહિનામાં ત્રીજી વખત જાહેરમાં ધડબડાટી બોલી છે.

(11:55 am IST)