Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગોંડલમાં ટ્રક ડ્રાઈવર સુરેશ કોળીના માથામાં પથ્‍થર ઝીંકી હત્‍યા

મૂળ લિયાદ હાલ ધોરાજી સ્‍થિત સુરેશની નવા યાર્ડ પાસે હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળીઃ હત્‍યાના હેતુ અને હત્‍યારા અંગે તપાસનો ધમધમાટ

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનાર કોળી યુવાનનો મૃતદેહ, બાજુમાં જેનાથી હત્‍યા કરાઈ છે તે પથ્‍થર અને ઘટના સ્‍થળે પોલીસ કાફલો નજરે પડે છે (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૧૧ :. ગોંડલના નવા માર્કેટયાર્ડ પાસે ધોરાજી સ્‍થિત કોળી ટ્રક ડ્રાઈવરની પથ્‍થરના ઘા ઝીંકી હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. પોલીસે હત્‍યાના હેતુ અને હત્‍યારાઓ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ સામે ટ્રકોનો જમાવડો રહેતો હોય છે ત્‍યારે સવારના સુમારે અજાણ્‍યા પુરૂષની લાશ હોવાની માહિતી મળતા સિટી પોલીસ મથકના પોલીસ ઈન્‍સ્‍પેકટર રામાનુજ તથા રાઈટર હરૂભા સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયેલ હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અજાણ્‍યા પુરૂષની લાશ પાસે લોહી લાગેલા હાલતમાં પથ્‍થર પણ મળી આવતા આ પથ્‍થરથી જ તેની હત્‍યા કરાયાનું ખુલ્‍યુ હતું.

દરમિયાન પોલીસ તપાસમાં હત્‍યાનો ભોગ બનનાર ટ્રક ડ્રાઈવર સુરેશ સવજીભાઈ સુરેલા કોળી રે. મુળ લિયાદ હાલ ધોરાજી હોવાનું ખુલ્‍યુ હતું. મૃતક સુરેશ અગાઉ લિયાદ રહેતો હતો પણ છેલ્લા થોડા સમયથી ધોરાજીમાં રહેતો અને ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. મૃતકની લાશને ટ્રક માલિકે ઓળખી બતાવી હતી.

ટ્રક ડ્રાઈવર સુરેશ કોળીની કોણે કયા હેતુથી હત્‍યા કરી ? તે અંગે પોલીસે છાનભિન્‍ન શરૂ કરી છે. વધુ તપાસ ગોંડલ સીટી પી.આઈ. રામાનુજ તથા રાઈટર હરૂભા જાડેજા ચલાવી રહ્યા છે.

(11:35 am IST)
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વાવાઝોડા સંદર્ભેની તૈયારીઓ ચકાશી : ગુરુવારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૨૦ કી.મી. ઝડપે વાવાઝોડું ફૂંકવાનું છે ત્યારે આ અંગેની તૈયારીઓનું ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે આકલન કર્યું હતું. access_time 8:42 pm IST

  • વાયુ વાવાઝોડાના ન્યુઝ અપડેટસ : (૧) સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિના કારણે તા. ૧૨.૦૬.૨૦૧૯ને આવતીકાલના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી ભાજપના વિસ્તારકોની બેઠક મુલત્વી રાખવામાં આવી છે. સહુ ભાજપના જીલ્લા/મહાનગરના વિસ્તારકોને પણ જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. (૨) વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરના કલેકટરે 15 જૂન સુધી ચોપાટી માં જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. (૩) 13 મી જૂન ની સવારે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાથી આવતીકાલે તારીખ ૧૨ થી ૧૪ જુન સુધી સુરત નવસારી અને વલસાડ જિલ્લાના સમુદ્ર બીચ ઉપર લોકોને જવા દેવામાં આવશે નહીં. (૪) મુંબઈમાં ભારે વરસાદને પગલે બેંગાલુરુ ચેન્નાઈથી મુંબઈ આવતી વિમાની સેવાઓ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

    access_time 11:28 pm IST

  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST