Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સૌરાષ્ટ્રના પ્રથમ સાહિત્યોત્સવ, સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ

પૂ. મોરારીબાપુના વરદ હસ્તે સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલનું ઉદઘાટનઃ૭૦ જેટલા સાહિત્ય સર્જકો કરશે ચર્ચા : સૌરાષ્ટ્ર લિટરેચરે ફેસ્ટિવલમાં પ્રવેશ માટે પાસની જરૂર નથીઃ રજીસ્ટ્રેશન માત્ર પુસ્તક મેળાના ડિસ્કાઉન્ટ માટે

 રાજકોટઃ તા.૧૧ સૌરાષ્ટના સૌપ્રથમ લિટરેચર ફેસ્ટિવલનું ૧૧,૧૨ અને ૧૩ જુન દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ ખાતે દિવ્ય ભાસ્કર અખબાર સમુહ દ્વારા આયોજન કરાયું છે. પૂ. મોરારીબાપુના વરદ હસ્તે લિટરેચર ફેસ્ટિવલ તથા મેગા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન થશે. સૌરાષ્ટ્રના સાહિત્ય રસિકો માટે એક અનેરા અવસર બની રહેનાર લિટરેચર ફેસ્ટિવલમાં સૌરાષ્ટ્રના તમામ મોટા સાહિત્યકારો અને કલા વિશેષજ્ઞો ઉપસ્થિત રહીને ત્રણ દિવસ સુધી વિવિધ વિષયો પર ચર્ચા કરશે. સાહિત્યના આ અવસરમાં તમામ સાહિત્ય પ્રેમીઓને જાહેર આમંત્રણ છે. પ્રવેશ નિઃશુલ્ક છે તેમજ કોઇ પાસની જરૂરીયાત નથી. તેમ આયોજકોએ જણાવ્યું છે.

 સાહિત્યોત્સવમાં રાજેન્દ્ર શુકલ, વિષ્ણુ પંડયા, જય વસાવડા, કાજલ ઓઝા વૈધ, વિનોદ જોશી, અનિલ જોશી, તુષાર શુકલ, નિતિન  વડગામા ડો. શરદ ઠાકર, નરોતમ પલાણ, શૈલેષ સગપરિયા, નાથાલાલ ગોહિલ, મનોજ રાવલ, દીપક સોલીયા, કૌશિક મહેતા, લાભશંકર પુરોહિત, સાંઇરામ દવે, રામકુ ખાચર, બળવંત જાની, નિરંજન રાજયગુરૂ,ભરત યાજ્ઞિક, મહેન્દ્રસિંહ પરમાર, માય ડિયર જયુ, ગોપાલ માકડીયા, સુભાષ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી સહિત પોણાસો જેટલા સાહિત્ય સર્જકો સાહિત્યના વિવિધ રસો પર ચર્ચા કરશે. સાહિત્યની ચર્ચાઓ ઉપરાંત કવિતાપ્રેમીઓ માટે સંમેલન અને નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે પૂ. મોરારીબાપુ  દ્વારા ઉદઘાટન બાદ સાહિત્ય જગતમાં આપેલા મહત્તવપુર્ણ યોગદાન બદલ કવિ રાજેન્દ્ર શુકલને લાઇફ ટાઇમ અચિવ મેન્ટ એર્વોડ એનાયત કરવામાં આવશે.

 ત્રણ દિવસ દરમ્યાન ઓડીટોરીયમના બે વેન્યુ પર ૨૪ સેશન ગોઠવવામાં આવ્યા છે. જેમા સાહિત્યના વિવિધ પાસાઓ પર ૭૦થી વધુ સાહિત્યકારો, વિશેષજ્ઞો  અને રસિકો ચર્ચા કરશે. એસએલએફમાં ભુતપુર્વ મેગા પુસ્તકમેળાનું ફેસ્ટિવલમાં આયોજન કરાયું છે. જેમાં ૩૦૦૦ થી વધુ ટાઇટલ ધરાવતા ૧,૦૦,૦૦૦ પુસ્તકોનો ભંડાર વાંચનપ્રેમીઓ માટે ઉપલબ્ધ થશે. અલગ  ભાષાઓ પર નામી પ્રકાશકોએ તૈયાર કરેલા અલભ્ય અને કિંમતી  એવા પુસ્તકો પર ૫૦ ટકાનું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  આ ડિસ્કાઉન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન ન કરાવનારને ૩૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન નંબર અને તેની વિગતો શુક્રવારે જાહેેર કરવામાં આવશે. વાંચનપ્રેમીઓને ઓડિટોરીયમના વિશાળ પરિસરમાં પથરાયેલા પુસ્તક મેળામાં તમામ વિભાગોમાંથી પોતાના મનગમતા પુસ્તકો પસંદ કરવા માટે પુરતો સમય મળી રહે તે માટે ૧૧મીની સાંજે પાંચ વાગ્યે ઉદઘાટન બાદ ત્રણ દિવસ દરમિયાન પુસ્તક મેળો સવારથી રાત સુધી સતત ચાલુ રહેશે. તેમ જણાવાયું છે.

'દિવ્ય ભાસ્કર' આયોજીત આ સૌરાષ્ટ્રના પ્રથમ સાહિત્યોત્સવમાં બાન લેબ્સ (સેસા હેર ઓઇલ) અને રીલાયન્સનો સહયોગ સાંપડયો છે તેમજ વેન્યુ પાર્ટનર રાજકોટ મહાનગર પાલીકા છે.  રજીસ્ટ્રેશન માટે 'દિવ્ય ભાસ્કર' એ જાહેર કરેલા સંપર્ક નંબર પર પોતાની વિગતો વોટ્સએપ કરવાની રહેશે. વિગતો આપ્યા બાદ એક યુનિટ આઇડી જનરેટ થશે. જે વાચકને તા.૧૧મી સુધી મોકલી આપવામાં આવશે. પુસ્તકના બિલિંગ વખતે જે યુનિક આઇડીનો મેસેજ મોકલવામાં આવ્યો છે તે કેસ કાઉન્ટર પર બતાવવાનો રહેશે.  મેસેજ બતાવવા બિલમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. રજીસ્ટ્રેશન યુનિક આઇડીનો ફકત એક જ વાર ઉપયોગ કરી શકાશે. બીજી વખત ખરીદી વખતે  અલગથી રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. વાંચન પ્રેમીઓને પુસ્તકના આ ભંડારમાં ડુબકી લગાવવા માટે પુરતી  જગ્યા અને સમય મળે તે માટે વિશાળ પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે. મેળો ૧૧મી સાંજે ખુલ્લો મુકયા બાદ ૧૩મી સુધી ધમધમતો રહેશે. (૪૦.૮)

(3:34 pm IST)